પૃષ્ઠ:Rasbindu.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧રર : રસબિન્દુ
 


પ્રથમ તો આયનાએ એનો રંગ જ રજૂ કર્યો. ધીમે ધીમે કાળું ધાબું દેખાયું. અને એ ધાબામાંથી હાસ્યપાત્ર નાક, આશ્ચર્ય ઉપજાવતા હોઠ તથા ભયાનક આંખ ઊપસવા લાગ્યાં; અને આખું પ્રતિબિંબ સ્થિર થયું ત્યારે તો વીરાજીએ પાસે પડેલી એક લાકડી લઈ આયના સાથે પછાડી આયનાને ફોડી નાખ્યો.

ફૂટેલા આયનાએ અનેક સ્વરૂપમાં વીરાજીના કદરૂપા દેહને વ્યક્ત કર્યો. સૂત્રધારે આવી તેના કાન ઝાલી ધક્કો મારી તેને ત્યાંથી બહાર કાઢ્યો અને એની પાછળ ગાળોને વરસાદ વરસાવ્યો.

પરંતુ એથી એને એટલી મુંઝવણ ન થઈ જેટલી એના દર્પણપ્રતિબિંબે ઉપજાવી હતી. ધર્મશાળામાં જઈ એ પોતાને સ્થાને સૂઈ ગયો. નાટક હજી પૂરું થયું ન હતું એટલે ચંચળને આવવાની વાર હતી. સૂતાં સૂતાં એને ભૂત, રાક્ષસ અને પિશાચનાં દૃશ્ય દેખાવા લાગ્યાં.

ચંચળ આટલી બધી ખૂબસૂરત કેમ ? અને વીરાજી આટલો કદરૂપો કેમ ? બંને રખડતાં – વંશ કે વાલી વગરનાં ! ચંચળનું રૂપ ક્યાંથી આવ્યું ? વીરાજીના રૂપ રહિત મુખનું કારણ ક્યાં ? બંને વાઘરી જાતનાં તો હતાં જ. પછી આ ભારે ફેરફાર કેમ ?

નૃવંશવિદ્યાના કૂટ પ્રશ્નોનો નિકાલ કરવાની વીરાજીમાં શક્તિ ન હતી. ગમે તે પેઢીના ગમે તે પૂર્વજનાં રૂપ, રંગ, ગુણ ગમે તે વારસામાં ફૂટી નીકળે છે ! અનિશ્ચિત રખડેલ જીવન ગાળતી કોમમાં એક બાજુએ રૂપરૂપનો ભંડાર ઊપજે; બીજી બાજુએ વરવાશના જ ગુણાકારો થતા ચાલે !

અને રખડેલ કોમ માટે જ આ સાચું ? કે બધાંયને માટે ?

વીરાજીની નિદ્રા અસ્થિર બની ગઈ. આંખ મીંચતાં બરોબર એને એનું પોતાનું જ મુખ નજરે પડતું. સ્વમુખની સ્મૃતિ માટે ભાગે અલભ્ય હોય છે. આજ વીરાજીની સ્મૃતિ એના મુખ સિવાય બીજું કશું સંઘરતી જ ન હતી. પાસાં બદલ્યા કરતા વીરાજીને કોઈ ઢંઢોળતું હોય એમ એકાએક લાગ્યું. એ સ્પર્શ નાજુક હતો.