પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપો પ્રેમ : ૧૨૫
 

પૈસા ગણી લે એટલે વીરાજી કોઈ વાર કહે : ‘ચંચળ ! એક વાત કહું ?’

‘હું જાણું છું તારે શી વાત કહેવાની છે તે. મૂઆ, મોંમાં તો ઢંગ નથી અને મને વાત કહેવા નીકળ્યો છે !’

‘હું તને મૂકીને ચાલ્યો જઈશ, હો ?’

‘તે તને કોણે ના પાડી ? જા ને, આ રસ્તો રહ્યો !’

વીરાજી કદી કદી જતો પણ ખરો, પરંતુ થોડા કલાકમાં પાછો આવી જતો.

‘કેમ, જખ મારવા પાછો આવ્યો ?’

‘તને એકલી મૂકતાં જીવ ન ચાલ્યો.’

‘જો મારી જોડે રહેવું હોય તો એક વાત સમજી લે.’

‘સમજી ગયો.’

‘શી ?’

‘લાખ રૂપિયા વગર મારી જોડે....’

‘લાખ તો શું પણ દસ લાખ હોય તો ય તારે મારી આશા રાખવી નહિ !’

આમ કહ્યાં છતાં રિસાઈને બંને પાછાં ભેગાં થતાં. ધીમે ધીમે વીરાજીના હૃદયમાં રૂધિરના અક્ષરે લખાયું કે ચંચળ કદી એનું મન મનાવે એમ નથી જ. તો ય કદી કદી રમત થઈ જતી, વીરાજીથી ચંચળને અડકાઈ જવાતું અને બદલામાં ચંચળની તમાચ પણ વીરાજીને સહન કરવી પડતી. ચંચળ કોઈથી ડરતી નહિ; વીરાજીથી પણ નહિ; જોકે બેત્રણ વાર ચંચળને ડરાવવાનો વીરાજીએ પ્રયત્ન પણ કરી જોયો.

અંતે વીરાજીએ કાંઈ પણ વાત ન કરતાં ચંચળની સામે તાકી તાકીને નિહાળવામાં જ સંતોષ સેવવા માંડ્યો. ચંચળે એનો પણ વિરોધ કર્યો એટલે રાત્રે ચંચળને મૂકી વીરાજીએ પાસેના બીજા દેવળમાં જઈ સૂવા માંડ્યું.

***