પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચંચળ પણ જરા વિચારમાં પડી. એ કદરૂપો પુરુષ એને અંશત: ગમતો અને અંશત: એ તિરસ્કારપાત્ર લાગતો. એની મૈત્રી, સેવા અને વફાદારીનો વિચાર આવતાં ચંચળ રાજી થતી; પરંતુ એનું મુખ નિહાળતાં એનો એક પણ ગુણ આકર્ષક લાગતો નહિ. વીરાજીની ગેરહાજરી એને ગોઠતી નહિ; પરંતુ હાજરી યે એકાંતમાં અણગમતી બની જતી. વીરાજીએ રાત્રે રાત્રે અદૃશ્ય થવા માંડ્યું એટલે સાહસિક ચંચળે કુતૂહલપૂર્વક તેનો પીછો પકડ્યો. પાસેના દેવાલયમાં આવેલા ત્રણચાર ખાખી સાધુઓની ધૂણી ધિકાવવા, તેમની ચલમો ભરી આપવા અને તેમની અર્ધ જ્ઞાનમય અને અર્ધ ક્રોધમય વાણી ભાવપૂર્વક સાંભળવામાં વીરાજી પોતાની રાત્રી વિતાવતો હતો એની ખાતરી ચંચળે કરી એક નિઃશ્વાસ નાખ્યો. સાથે સાથે સન્માર્ગે વળતા સાથીને નિહાળી તેને સંતોષ પણ થયો.

‘ચાલો ! ના કહેવાથી એ મરવા નહિ જ પડે.’

પરંતુ સાધુની સોબતે વીરાજીની આંખમાં રહેલી લોલુપતા દૂર ન કરી એ તો ચંચળ સમજી ગઈ. અને તેમાં રસ્તે ગીત ગાતી વખતે થતાં ચંચળનાં નયનનૃત્યને વીરાજી એકાગ્રતાપૂર્વક જોઈ રહેતો ત્યારે ચંચળને કદી કદી ભય લાગતો. ચંચળ બળવાન હતી, વીરાજી સામે થઈ જતી હતી; છતાં વીરાજી શારીરિક બળમાં ચડિયાતો હતો એ વાત ચંચળ સમજતી હતી. અને હજી વીરાજીએ ચંચળને ફરિયાદનું કારણ આપ્યું ન હતું તો ય વીરાજીનો વિશ્વાસ પૂરો પડતો નહિં. આ બધી ગૂંચવણનું એક જ કારણ–વીરાજીનું મુખ ચંચળને જરા ય ગમે એવું ન હતું. જરા પણ મુખ ગમે એવું હોત તો ? બીજા બધાને રીઝવવાનું છોડી ચંચળ વીરાજીને રીઝવત.

એક વાર પાંચ દિવસ સુધી વીરાજી અદૃશ્ય રહ્યો. ચંચળ ખાખીઓને પૂછવા ગઈ. ખાખીઓનો મુકામ ત્યાંથી ઉપડી ગયો હતો. ચંચળને હૃદય ધબકાર ઊપજ્યો : ‘વીરાજી બાવો તો નહિ બની ગયો હોય?’

બે ત્રણ દિવસ ચંચળ વ્યગ્ર રહી. એને વીરાજી વારંવાર યાદ