પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વીરાજીને બોલાવ્યો નહિ. સવાર પડતાં જ જાણે એ વીરાજીને ઓળખતી ન હોય એમ પોતાને કામે લાગી. ગેરહાજર વીરાજી કરતાં હાજર રહેલો વીરાજી વધારે ખરાબ લાગ્યો. ચંચળને અણગમો શરૂ થયો.

વીરાજીએ પણ જાણે કશું બન્યું ન હોય એમ ચંચળ સામે જોવા માંડ્યું. ચંચળે વીરાજીને ગણકાર્યો નહિ એટલે એણે પાસે પડેલું હાર્મોનિયમ લઈ આંગળીઓ ફેરવવા માંડી.

ચંચળ ઈંટના ચૂલા ઉપરની કલેડીમાં રોટલો શેકતી હતી અને છૂપી રીતે વીરાજી તરફ જોઈ લેતી હતી. હાર્મોનિયમ વગાડતા વીરાજીની નજર હાર્મોનિયમ તરફ હતી જ નહિ. એની આંખો ચંચળના પ્રત્યેક હલનચલનને પીતાં ધરાતી ન હોય એમ ચંચળ ઉપરથી ખસતી જ ન હતી. બોલ્યા વગર લાંબો વખત રહેલી ચંચળથી છેવટે કહેવાઈ ગયું: ‘આંખો સખની રાખ, નહિ તો ધોલ ખાઈશ !’

‘તે હું શું કરું? ના કહું છું તો ય આંખો તારા ભણી દોડે છે.’ વીરાજીએ જવાબ આપ્યો.

‘આંખો માનતી ન હોય તો ફોડી નાખ.’ ચંચળે ઈલાજ બતાવ્યો. જવાબમાં વીરાજીએ હાર્મોનિયમ ઉપર વગાડી ગાયું :

‘યે દો નયનાં મત ખાઈઓ, પિયામિલનકી આસ.'

એ આશાનું પરિણામ ધોલમાં આવ્યું. વીરાજીએ ચંચળની ધોલ ઘણી વખત ખાધી હતી; વર્ષોથી ખાધી હતી. પરંતુ આજ તેનું અભિમાન ઘવાયું. તેના મુખ ઉપર ક્રોધ છવાઈ રહ્યો. ચંચળનું ગળું પકડી દબાવી દેવાની વૃત્તિ વીરાજીએ રોકી. પરંતુ ચંચળને એનો હિસાબ ન હતો. એ ખડખડ હસી અને વીરાજીના કદરૂપા દેખાવને એના પૂર્વજો સાથે જોડવાનું સાહસ કરવા લાગી. પ્રેમી વીરાજીને ચીડવવામાં અપ્રેમી ચંચળને બહુ મજા પડતી હતી. વીરાજીની વફાદારી ચંચળને ગમતી હતી, પરંતુ એનો પ્રેમ ગમતો ન હતો; કારણ એનું મુખ ગમે એવું ન હતું. અને જગતના પ્રેમીઓએ