પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક વસ્તુ યાદ રાખવાની જરૂર તો છે જ કે ન ગમતું મુખ પ્રેમપ્રેરક તો નથી જ.

વીરાજીને થયેલા ઘામાં આમ ચંચળે લૂણ ભર્યું. અલબત્ત,ચંચળ પણ કળવિશુદ્ધિનું અભિમાન રાખી શકે એમ હતું નહિ. ચંચળના રૂપાળા મુખ પાછળ કંઈક ઊંચી કોમો, કંઈક સત્તાધીશો અને કંઈક વિશુદ્ધ મનાતા પુરુષોની પરંપરા ઊઘડી આવતી હતી. શિકારે આવેલો સાહેબ, મહેસૂલ ઉઘરાવતો મામલતદાર, પીઠાવાળો પારસી, જ્ઞાન ફેલાવતો બ્રાહ્મણ, આશીર્વાદ આપતો તપસ્વી અને નીતિ વહેંચતો શહેરી સુધારક : એ સહુનાં નામ ચંચળના રૂપને અંગે વીરાજી ઉચ્ચારી શકે એમ હતું. અને... અને...વાસનાવશ માનવી વનચર કરતાં કેવી રીતે ચડિયાતો ગણાય ? પછી એ માનવી મહેલમાં રહેતો હોય કે મંદિરમાં !

વીરાજીના મુખ ઉપર ક્રૂર દૃઢતાની રેખા ઊઘડી આવી. પૈસા ગણવાનું બહાનું જ હતું. ચંચળને તો વીરાજી સાથે વાતો કરવી હતી; અને વાતમાંથી એને ચીડવી વધારે પાસે લાવવો હતો – જોકે એના મુખની નિકટતા ચંચળને નહોતી ગમતી. ચંચળે જોયું કે વીરાજી ઊભો થયો છે, અને તેની પાસે આવી રહ્યો છે. વીરાજીની એને બીક તો ન હતી. છતાં કોઈ કોઈ વાર આ સામર્થ્યશાળી યુવકનું બળ તેને વ્યાકુળ બનાવતું ખરું. સહુની સાથે મારામારી કરવા તૈયાર રહેતો વાઘરી ચંચળ પ્રત્યે હિંસક આક્રમણ કરે પણ ખરો!

‘કેમ ઊભો થયો? મારામારી કરવી છે?’ ચંચળે પૂછ્યું.

‘એમાં હું તને નહિ પહોંચું. પેલો રોટલો બળી જાય છે એ ઠીક કરવા હું ઊભો થયો છું.’ વીરાજીએ ક્રોધ સમાવી કહ્યું.

‘બેસ હવે, કર્યું તે ઠીક.’ કહી ચંચળે રોટલો ફેરવ્યો.

વીરાજી બેઠો – પરંતુ ચંચળની બહુ જ નજીક આવીને બેઠો.એના અણગમતા મુખ ઉપર કાંઈક એવી સખ્તી હતી કે ચંચળનું ધ્યાન એ તરફ દોરાયા વગર રહ્યું નહિ.

‘આજે હું પાંચ દિવસે પાછો આવ્યો છું.’ વીરાજીએ કહ્યું.