પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપો પ્રેમ : ૧૩૧
 


એકાએક ચંચળે બૂમ મારી : ‘વીરાજી, વીરાજી ! જો ને, મારી આંખમાં કેમ બળતરા બળે છે ?’

‘મારું અણગમતું મોં તારી સામે છે એથી.’ વીરાજીના મુખ ઉપર ક્રૂરતા હતી.

‘મશ્કરી નથી. આ તો મરચાં આંજ્યાં જેવું બળે છે.’ ચંચળે આંખો ચોળતાં કહ્યું.

‘તારી આંખ એને જ લાયક છે.’ વીરાજીએ કહ્યું.

‘મૂઆ ! કાંઈ કર્યું કે શું ?’

‘વીરાજીનું મોં તને કદી ન દેખાય એવું કર્યું છે.’

‘મારાથી ખરેખર કશું દેખાતું નથી. વીરાજી !’ કહી ચંચળ ઊભી થઈ બાથોડિયાં ભરવા લાગી. બાવરી બનેલી ચંચળને લાગ્યું કે તેની દૃષ્ટિ અલોપ થતી જાય છે.

‘તે તું જાણે. જે દેખાય તેને શોધી કાઢજે અને તેની જોડે રહેજે. હું તો આ ચાલ્યો.’ વીરાજીએ કહ્યું, અને ખડખડ હસવા માંડ્યું.

‘વીરાજી ! ના જઈશ. મારી આંખો ફોડીને તું ક્યાં ચાલ્યો ?’ ચંચળે ક્રોધ અને લાચારીભર્યા રુદન વચ્ચે કહ્યું.

‘ખાખીઓ ભેગો.’

‘જરા ઊભો રહે...’

‘મારું અને તારું એમ બંનેનાં કામ પૂરાં થયાં. હવે હું ઊભો રહું ?’ કહી વીરાજી ભાગ્યો. ચંચળે બૂમો પાડી, ચીસો પાડી, રુદન કર્યું, માથાં કૂટ્યાં. બીજે દિવસે કોઈ સહાનુભૂતિવાળો સંગીત મિત્ર એને દવાખાને લઈ ગયો. દવાખાને જાહેર થયું કે ચંચળની આંખો કાયમની ગઈ છે, અને કોઈ અજાણ્યા ઝેરની ધૂણીએ એની દૃષ્ટિ હરી લીધી છે. એનો ઇલાજ જ નથી.

સહાનુભૂતિવાળા સંગીતમિત્રોને અંધ સ્ત્રીનું ભારણ જોઈતું ન હતું. માનવી દયાળ છે; પરંતુ એ દયા દૂર રહ્યે રહ્યે કરવામાં જ માનવીને ફાવટ આવે છે. ચંચળને ઝડપથી એના રહેઠાણમાં મૂકી