પૃષ્ઠ:Rasbindu.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપો પ્રેમ : ૧૩૭
 

વખત અનેક શોખીનો શહેરમાં ભેગાં થતાં હતાં.

અખિયાં હરિદરશનકી પ્યાસી.
નેહ લગાય ત્યાગ ગયે તનકો,
ડાર ગયે ગલે ફાંસી–
અખિયાં હરિદરશનકી પ્યાસી.

પ્રભાતની શાન્તિ અને મેદાનના વિસ્તારમાં ચંચળના અશિક્ષિત છતાં મધુર સૂર ફેલાઈ રહ્યા.

જરા વારમાં એને લાગ્યું કે પાસે કોઈ બેઠું છે એનું ગીત સાંભળે છે. એણે ગીત બંધ રાખ્યું.

‘પછી શો વિચાર કર્યો, ચંચળ ?’ પ્રશ્ન થયો.

‘કોણ છો, ભાઈ તમે ?’

‘એ તો હું; હાર્મોનિયમ લેવા આવ્યો હતો ને, તે.’

‘આટલા વહેલા ?’

‘સોદામાં વાર શી ?’

‘પણ તમને આ વાજું ફાવશે નહિ. એ પણ માનવીને કળી જાય છે.’

‘એ તો હું વાજાને મનાવી લઈશ.’

‘તમને ગાતાં આવડે ખરું કે ?’

‘સાધારણ, વાજું લીધા પછી વધારે શીખીશ.’

‘તમે ગાઓ તો ખરા ?’

‘તારી ભૈરવી પહેલી પૂરી કર; પછી હું વિચાર કરીશ.’

‘સાથ આપશો ને જરા ?’

‘જોઉં.’

કહી નવા આવનાર માણસે હાર્મોનિયમ લીધું અને ચંચળે ભૈરવી પૂરી કરી :

સૂર શામ પ્રભુ તિહારે મિલનકો
લઈઓ કરબત કાસી –
અખિયાં હરિદરશનકી પ્યાસી.