પૃષ્ઠ:Rasbindu.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ર : રસબિન્દુ
 

 ધનિકો અને શૉખીનો પોતાના બંગલા, બાગ અને બગીચાને નામ આપે છે અને સુશોભિત પાટિયાં ચોડી એ નામને જગજાહેર કરે છે. મારા બંગલાનું મેં શું નામ આપ્યું હતું ?

...કુટિર... કેવી કુટિર ? હાં હાં; યાદ આવ્યું. એનું નામ તો ‘માયામઢુલી !’

સ્વર્ગનું અનુકરણ પૃથ્વી કરે છે કે પૃથ્વીનું અનુકરણ સ્વર્ગ ? સ્વર્ગ પણ સુધરેલું તો હોવું જ જોઈએ. આ અક્ષરો વગર ખબર શી પડે કે સ્વર્ગ આ જ છે ?

કેટલો વિચાર કરીને મેં એ નામ આપ્યું હતું ? દયાદેવળ, મહેમાનમંદિર, ધર્મધામ ને કરુણાકુંજ જેવાં પાટિયાં પણ ચિતરાવ્યાં હતાં. એ બધું કાઢી નાખી અંતે મેં મારા નિવાસનું નામ ‘માયામઢુલી’ રાખ્યું ! કેવું સાદુ, અભિમાન રહિત નામ ? મારી સાદાઈ. મારું નિરભિમાન, મારી દયા, મારી મહેમાનગીરી, મારાં ધર્મકાર્યો, અને અને... મારી કરુણા... મને અહીં સ્વર્ગના દ્વારે પહોંચાડે છે, નહિ ?

પણ આ દરવાજા કેમ હજી ખૂલતા નથી ? મેં કેટલી વાર બૂમ પાડી હશે ? અમુક સમયે જ દરવાજા ખૂલતા હશે ? કશું નિયમિતપણું તો હોવું જ જોઈએ. પરંતુ માનવીનાં મૃત્યુ ઓછાં નિયમિત હોય છે ? સ્વર્ગને પાત્ર માનવીઓ માટે તો દરવાજા ખુલ્લા જ રાખવા જોઈએ. આમ આવનાર મહેમાનોને બહાર બેસાડી મૂકવાનો રિવાજ પૃથ્વી ઉપર તો ઉપયોગનો છે; એથી કામની ભારે સરળતા થાય છે. પણ સ્વર્ગમાં યે આવો પાર્થિવ વ્યવહાર ? અંદર ગયા પછી એ સંબંધમાં મારે ચળવળ ચલાવવી પડશે.

વખતે દરવાનો સૂતા હોય ! અમૃત પીવાનો તેમનો સમય થયો હોય ! અમૃતની પણ જુદી જુદી વાનીઓ બનતી હશે, નહિ ? કે પછી શરબતની માફક એ પ્રવાહી અમૃત જ પીધા કરવાનું ? એનો કેવો સ્વાદ હશે ? મધને મળતો ? લીંબુની સહજ ખટાશ એમાં ખરી કે નહિ ? અગર શેમ્પેનનો સ્વાદ – ભણકાર તો એમાં નહિ