પૃષ્ઠ:Rasbindu.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વર્ગ દ્વાર : ૧૪૩
 

હોય ? એકલી મીઠાશ જ એમાં ભરી હોય તો પેલી કહેવત ખોટી નહિ પડે ? અમૃત પીતાં હું તો ધરાઈ જાઉં – જો એ માત્ર મીઠાસને જ અર્ક હોય તો ?

મને જરા દરવાજો ઠોકવા દો. ત્યાર વગર એમને ખબર નહિ પડે કે સ્વર્ગનો એક અધિકારી દરવાજા બહાર વગર કારણે સમય વિતાવતો રોકાઈ રહ્યો છે ! પૃથ્વીના સરખો અહીં ‘કૉલ બૅલ’ કેમ નહિ રાખ્યો હોય ?

આ શું ?

દરવાજા રૂના બન્યા છે શું ? હું હાથ પછાડું છું છતાં જાણે હાથે કશું અડકતું જ ન હોય એમ કેમ લાગે છે; આ ભવ્ય કલામય દરવાજાને હું મારી આંખથી તો જોઈ શકું છું ? મારી ત્વચાનો સ્પર્શ એને કેમ થતો નથી ?

મારાથી પહોંચાયું ત્યાં લગીના ભાગને હું ઠોકી ચૂક્યો ! અવાજ તલપૂર પણ થતો નથી !

છતાં સ્વર્ગનૃત્યોની ઘૂઘરીઓનો છમછમાટ હું સાંભળું છું ! દિવ્ય વાદ્યોનાં ગુંજન મને કંપાવે છે ! શા માટે આ દ્વાર ખૂલતાં નથી ?

‘દ્વારપાળ ! દ્વારપાળ !’

મારી જ બૂમ મને પાછી મળે છે ! એક જ બાજુએથી નહિ, ચારે બાજુએથી ! માત્ર સ્વર્ગમાંથી કોઈ મને જવાબ આપતું નથી. ક્યાં સુધી મારે ખોટી થવું ? ભલભલા સાહેબો પણ મને આમ બેસાડી મૂકવાની હિંમત કરતા નહિ ! મને ખરેખર હવે ખોટું લાગશે. દરવાજા બહાર બેસવાની સગવડ કરવાનું પણ કોઈને સૂઝતું નથી. સ્વર્ગને બારણે આવું જંગલીપણું ચાલતું હશે શું ?

ના, ના. દરવાજો ઊઘડતો લાગે છે ! કશું કારણ હશે જ કે જેથી દરવાજો ઊઘડતાં આટલી વાર થઈ હશે ! ઓહોહો ! કેટલો દૃષ્ટિપ્રિય ચમકાર ! અને કેવી અદ્‌ભુત સુવાસ ! રાતની રાણી, પારિજાત, જૂઈ, ચમેલી... એ બધી ફૂલરાણીઓ જાણે એક બની ગઈ ! બારણાં