પૃષ્ઠ:Rasbindu.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ : રસબિન્દુ
 

કોણ ઉઘાડે છે ? આપોઆપ ઊઘડ્યાં શું ? બાવરો બની ઊભો કેમ રહ્યો ? ભર ડગલું આગળ !

‘કોણ છે આ ? મારે માટે ઊઘડેલા દરવાજામાં બીજું કોણ પેસી જવા મથે છે ?’ મને જાણે જોતો જ ન હોય તેમ મારી બાજુએથી અંદર પ્રવેશતા એક પુરુષનો ખભો પકડી તેને રોકી મેં તેને આહ્‌વાન આપ્યું. મને એની ખબર ન પડી ? એ ક્યારનો લાગ જોઈ મારી જોડે ઊભો હશે.

‘મારા પગ મને લઈ જાય છે ત્યાં હું જાઉં છું. મને ખબર નથી કે આ દરવાજા આપને માટે ઊઘડ્યા હશે. તેમ હોય તો આપ ભલે જાઓ. હું પાછો જાઉં છું.’ મને મૂકી આગળ વધી દરવાજામાં પ્રવેશ કરતા એક અશિષ્ટ, ગરીબ અને સભ્ય સમાજમાં સ્વીકાર ન પામે એવા પુરુષે મને જવાબ આપ્યો. સમાજમાં જેને સ્થાન ન મળે તેને સ્વર્ગમાં તે સ્થાન હોય ? મેં એને ખસેડી ઊઘડેલા દરવાજાની અંદર પગ મૂક્યો.

અને આંખ મીંચી ઉઘાડતામાં મારો પગ પાછો ધકેલાયો. કોઈએ ધક્કો માર્યો શું ? બધું જ સહન કરું, પરંતુ અપમાન તો કદી જ નહિ ! ગુસ્સે થઈ હું ગાળ દેવા જતો હતો એટલામાં મેં શ્વેતવસ્ત્રધારી સૌન્દર્યસંપન્ન એક યુવકને નિહાળ્યો. બુદ્ધ સરખું તેનું મુખ મને વાગ્યું. મારા મેજ ઉપર બુદ્ધની મૂર્તિ હું સતત મૂકી રાખું છું — એક સારું મુખ નજરે પડે અને એની નીચે ઉપયોગી કાગળો પણ દબાય—

‘આપ કોણ છો ? આપનાથી અંદર નહિ અવાય.’ એ તેજસ્વી પુરુષે મને કહ્યું.

હું ગમે તેવા તેજસ્વી પુરૂષથી પણ અંજાઉં એમ નથી. મેં મારો આછો ક્રોધ પ્રગટ રાખી કહ્યું : ‘તમે કેવા માણસ છો ? સભ્યતા…’

‘હું માણસ નથી. માણસાઈનાં મંથનમાંથી ઊપજેલો હું ફિરસ્તો છું, અને આ દરવાજાની ભાળસંભાળ રાખું છું.’