પૃષ્ઠ:Rasbindu.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સહી લઈને !'

‘પચાસ શાળાઓ મારે ખર્ચે ચલાવું છું.’

‘જેમાં ઘણાંખરાં તમારા સગાનાં છોકરાં માસ્તરગીરી કરે છે તે, ખરું ને ?’

‘ખોટી વાત. બહુ જ નજીવી સંખ્યા મારાં સગાંની છે ! ગાંધી- જયંતી વખતે વર્ષોવર્ષ હું પંદર હજાર રૂપિયાની થેલી ભેટ કરું છું.’

‘પરંતુ કહે છે ને કે તમારી મિલોમાં તો તમે ઇજિપ્ત અમેરિકાનું રૂ વાપરો છો ?’

‘તે હશે. પરંતુ મારી મિલના કાપડને સ્વદેશી તરીકે મેં સ્વીકારાવી લીધું છે, અને એના નફામાંથી હરિજનો માટે હું કૂવાઓ અને મંદિરો પણ બંધાવું છું.’

‘સારી વાત છે. પરંતુ અમારે ત્યાં નોંધાય એવું કશું હજી દેખાતું નથી. એક બાબત નોંધાવા આવતી હતી પણ તે પ્રભુએ નોંધાવા ન દીધી.’

‘એમ? એવી કઈ બાબત છે?’

‘હિંદી સૈનિકો માટે તમે કાંઈ તંબૂઓ બનાવી આપ્યા. પહેલાં તમે મફત કરી આપવાના હતા; પછી તમે તમારા દીકરાને નામે કંપની કાઢી એમાં કમિશન લીધું એટલે તમારું અહીંનું દાનખાતું ઊઘડતાં પહેલાં બંધ થઈ ગયું.’

હું ધારતો હતો એટલો બધો અજાણ્યો હું સ્વર્ગમાં નથી જ એટલું તો આ ફિરસ્તાના કહેવા ઉપરથી લાગ્યું. મારી મહત્તાનો વિસ્તાર આટલેથી અટકતો ન હતો. ફિરસ્તાઓને પણ આશ્ચર્યમાં નાખે એવાં કામકાજ મેં અનેક કર્યા છે. મેં અનેક દેવ-દેવસ્થાનોમાં મોકલાવેલી ભેટ કદાચ જુનવાણી ગણાય –જો કે એ રકમ પણ નાનીસૂની નથી. જોષી, શાસ્ત્રી, પુરાણી અને ચમત્કારી બાવાઓને પણ મેં આપેલી ભેટ નજીવી તો ન જ કહેવાય. પરંતુ આજનો યુગ માને એવું પણ મેં ઘણું ઘણું કર્યું છે અને તેને લીધે મારાં તૈલચિત્રો પણ કેટકેટલી સંસ્થાઓમાં મુકાયાં છે. એમાંથી કાંઈક કહી આ