પૃષ્ઠ:Rasbindu.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ફિરસ્તાને બોલતો બંધ કરું.

‘મેં સ્વાતંત્ર્યની લડતમાં પણ સક્રિય ફાળો આપ્યો છે.’ મેં કહ્યું.

‘એમ? ચોપડે ચડ્યો લાગતો નથી.’

‘તમારી ભૂલ થતી હશે.’

‘આપે શું શું કર્યું? સ્વાતંત્ર્યની લડત એટલે આજે ચર્ચિલ, એમરી અને ક્રીપ્સ જેવા વાણીશૂરા શાહીવાદીઓને પ્રસન્ન...’

‘નહિ, નહિં. હું હિંદસ્વાતંત્ર્યની લડત કહું છું.’

‘પાકિસ્તાની છો ?’

‘ના જી.’

‘હિંદના વિસ્તારેલા મંત્રીમંડળમાં છો?’

‘ના જી. એવા મંત્રીઓને તો જિંદગીભર ભાડે રાખું એટલો ઈશ્વરકૃપાએ હું સુખી છું.’

‘ઈશ્વરકૃપાએ ?...ઠીક, ઠીક. તો પછી આપે કર્યું છે શું ?’

‘મેં શું નથી કર્યું? ઘણા દેશભક્તોને મેં મારે ઘેર ઉતાર્યા છે. કંઈકને મેં દિવસોના દિવસો સુધી મારી મોટરકાર વાપરવા આપી છે. એક મહાસભાની બેઠક વખતે આખા રસોડાનો ખર્ચ મેં ઉપાડી લીધો હતો.નોકરી છોડી આવેલા એક સરકારી નોકરને મેં મારું જીવનચરિત્ર લખવાના કામે રોક્યો હતો –જોકે એને એ કામ આવડ્યું નહિ. કંઈકના મેં દંડ આપ્યા છે, કંઈકની મેં ટિકિટ કઢાવી આપી છે, કંઈક બહેનો માટે મેં કેદખાને કાંસકીસાબુ મોકલ્યાં છે...’

‘કેમ બોલ્યા નહિ?’ મને વિચારમાં પડી અટકી જતો નિહાળી ફિરસ્તાએ પૂછ્યું.

‘શું શું ગણાવું એની મને સમજણ પડતી નથી.’

‘એટલી મોટી યાદી છે ?’

‘હા જી.’

‘એકાદ વિગત તો કહો ?’