પૃષ્ઠ:Rasbindu.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાખ્યું નથી. કોઈ દિવસ ફંડફાળા ઉઘરાવવા પૃથ્વી ઉપર આવશો ત્યારે મારી જરૂર પહેલી પડવાની છે એ યાદ રાખજો. પરંતુ આ સ્પર્શને પણ અપાત્ર એવા માનવીનો હાથ ઝાલી આપ અંદર લઈ જવા મથો છો તો એણે મારા પ્રમાણમાં શું સત્‌કાર્ય કર્યું છે?’

‘સ્પર્શને અપાત્ર ? જરા એની સામે જુઓ તો ખરા કે એ કોણ છે?’ ફિરસ્તાએ કહ્યું.

મેં તેની સામે જોયું. મને ક્યારનું લાગ્યા કરતું હતું કે આ માનવીને મેં ક્યાંઈ જોયો છે ખરો; પરંતુ હજી ગડ બેઠી ન હતી.

‘એ કોણ હશે ? એને ક્યાં જોયો હશે? અરે, આમ યાદ આવે છે ને પાછો ભુલાય જાય છે !’

‘એને ન ઓળખ્યો ?’ ફિરસ્તાએ પૂછ્યું.

‘હજી કાંઈ ધ્યાનમાં બેસતું નથી...અરે, હા. મારો નોકર તો નહિ ? જીવાજી ?’ મને અત્યંત આશ્ચર્ય ઊપજ્યું. મારો નોકર સ્વર્ગમાં પેસતી વખતે મારી સાથે ઉમેદવાર?...અરે, મને પ્રવેશ મળ્યો નહિ અને એને લેવા સ્વર્ગદ્વાર આપોઆ૫ ખૂલે છે તથા ફિરસ્તો એને લેવા આવે છે ?

‘આજે ગંગા ઊલટી કેમ વહે છે? એણે કયું સત્કાર્ય કર્યું હશે ? એ તો તદ્દન અનિયમિત, રેઢિયાળ અને ચોરીનો શક જાય એવો માણસ છે ! એને તો હું આજ કાઢી મૂકવાનો હતો ! અને એટલામાં હું અહી આવી ચડ્યો ! એ પણ સાથે જ ક્યાંથી થયો?’

‘એનો અધિકાર છે માટે સ્વર્ગદ્વાર એની આગળ ખુલ્લાં થઈ જાય છે.’ફિરસ્તાએ કહ્યું.

‘પણ આ તો અક્કલ બહારની વસ્તુ લાગે છે. હું લાખોનું દાન કરનાર; એને સ્વર્ગ નહિ ! અને જેની પાસે દાન માટે એક પાઈ પણ નથી, તેને સ્વર્ગમાં સ્થાન !’

‘તમે લાખનું દાન કરોડમાંથી કરો છો. માનવ જાત કદાચ એથી ચકિત થાય; પરંતુ આ માનવીએ તો પોતાનો કોળિયો જતો કરી બીજાને જિવાડ્યો છે...’