પૃષ્ઠ:Rasbindu.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘એમાં તમારે આ જીવાજીનો આભાર માનવાનો છે. એવા દૈવી પુરુષનું વેરભાવે પણ તમે ચિંતન કર્યું તેથી આટલે સુધી પણ આવી શક્યા. હવે જાઓ પાછા. જીવાજી ! ચાલો મારી સાથે.’ ફિરસ્તાએ કહ્યું.

‘બાપજી ! થોડું દેવું બાકી છે, અને પેલી બાઈને હજી મરતાં વાર લાગે એમ છે. એટલું કરી લઉં, પછી આપ કહેશો ત્યાં આવીશ.’ જીવાજી બોલ્યો.

ખરેખર, જીવાજીને મેં પગાર ઉપરાંત પણ થોડા પૈસા આપ્યા હતા – ગરીબની ભીડ ભાંગવા. શા માટે મારે મારા પૈસા જતા કરવા ?

‘મારું દેવું પતે નહિ ત્યાં સુધી હું જીવાજીને છોડવા માગતો નથી.’ મેં લેણદાર બની કહ્યું.

‘અર્થના ગુલામ ! જા, પાછો જા ! અહીં ઊભા રહેવાની પણ તારી લાયકાત નથી. સ્વર્ગનો ઝાંખો પ્રકાશ પણ તને ત્યારે જ નજરે પડશે કે જ્યારે તું જીવાજીને પગલે ચાલીશ.’

ફિરસ્તો ઊડી ગયો ! પ્રકાશ સમેટાઈ ગયો ! કે સૂર્યનું કિરણ મારી આંખ ઉપર પડ્યું ? સંગીત મને બદલાયું લાગ્યું મારા બગીચાના એક વૃક્ષ ઉપર કૉકિલા ગાતી હતી ! અને છતાં આ સૌરભ !...

મેં આંખો ચોળી. હું મારી ‘માયામઢૂલી’ના પલંગ ઉપર બારી પાસે હજી સૂતો જ હતો

જીવાજીને ફૂલદાનીમાં કૂલ ગોઠવતો મેં જોયો – બહુ જ ધીમાશથી.

પલંગમાં બેસી મચ્છરદાની ખસેડી હું બહાર નીકળ્યો. જીવાજીએ વિચિત્ર ગામડિયા ઢબે સલામ ભરી.

શું પેલું સ્વપ્ન હતું ? હું સાચેસાચ સ્વર્ગ પાસે નહોતો ગયો ?

‘બાપજી ! થોડુંક દેવું બાકી રહેશે; પાંચમાંથી ત્રણ રૂપિયા લાવ્યો છું.’ જીવાજીએ રૂપિયા મને આપવા માંડ્યા.

‘શાના રૂપિયા લાવ્યો છે?’ મેં પૂછ્યું.

‘આપના દેવા પેટે. આપે કહ્યું હતું ને કે જો હું આજ સવારે રૂપિયા નહિ ભરું તો નોકરી ઉપરથી દૂર થઈશ.’