પૃષ્ઠ:Rasbindu.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ભલો માણસ-ચક્રમ જેવો છે એટલે આવી કંઈક પીડા પોતાને માથે ઊભી કરે છે !’ શૉફરે કહ્યું.

પેલી સ્ત્રીની આંખમાં તેજ આવ્યું. એની નજર તીરછી થઈ. વગર બોલ્યે એણે શૉફરને જાણે ઠપકો આપ્યો હોય એમ મુખ કરી પાસું બદલી નાખ્યું.

જીવાજી એના કામમાં કદી કદી કેમ અનિયમિત થતો હતો તેનું કારણ મને સમજાયું.

‘પણ એની સારવારનો ખર્ચ ક્યાંથી લાવે છે?’ મેં પૂછ્યું.

‘એ એમ જ. વધારાની મજૂરી કરે, અમારા જેવા પાસેથી ઉછીના પૈસા લે, અને મહામુસીબતે પાછા આપે. આજે જ એણે પાંચ રૂપિયા મારી પાસેથી લીધા.’ શૉફરે કહ્યું.

‘પાંચ ? શા માટે?’

‘આપને પાછા આપવાના હતા ને ! આપે સખ્તી ન કરી હોત તો એમ ને એમ લંબાયા કરતા.’

પણ મને તો જીવાજીને ત્રણ જ રૂપિયા આપ્યા હતા!

હું ઘેર પાછો આવ્યો આજ મને ચેન પડતું ન હતું. આજ બધું જ કામ મેં બાજુએ મૂકી દીધું અને આશ્રમ ભજનાવલિનાં ગીતો વાંચતો હું બેઠો. જમવામાં પણ મારું ચિત્ત હતું નહિ; કાગળો લખવામાં પણ મારું ધ્યાન ગયું નહિ; સલાહ પૂછવા આવનારાઓને મેં મુદ્દત આપી.

ત્રીજે પહોરે હું ફરી પગે ચાલતો ચાલતો જીવાજીથી ઝૂંપડી તરફ આવ્યો. જીવાજી કશું છોલી રહ્યો હતો. એણે મારા ભણી જોયું ન હતું, એટલે ધીમે પગલે હું જઈ તેની પાછળ ઊભો. જીવાજીની પાસે એક નાની સાદડી ઉપર ફળનો ઢગલો પડ્યો હતો અને પાસે કાચનો એક પ્યાલો તથા રસ કાઢવાનું યંત્ર પડ્યાં હતાં !

આ ઘેલો માણસ શું કરતો હતો ?

માંદી બાઈએ મારા તરફ જોઈ જીવાજીને ધીમેથી કહ્યું :

‘ભાઈ! જો ને, કોઈ આવ્યું છે.’