પૃષ્ઠ:Rasbindu.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપના જ પ્રતાપ...એનો અને મારો આશીર્વાદ આપને અઢળક...’

હું જીવાજી સામે જોઈ રહ્યો. એ મારો મેલાોઘેલો નોકર હતો કે સ્વર્ગના તેજથી અંકિત ફિરસ્તો હતો?

‘સાહેબ! મારા ભાઈને કાઢી ન મૂકશો. મને તો એણે જિવાડી, પણ હજી મારાથી એને માટે મજૂરી થાય એમ નથી. થોડા દહાડા એને નભાવી લેજો. તમે તો મોટા માણસ...’ પેલી સ્ત્રીએ આજીજી- પૂર્વક સૂતાં સૂતાં મને બે હાથ જોડી વિનંતી કરી.

હું મોટો માણસ, નહિ? હું નમસ્કારને પાત્ર, ખરું?

મને લાગ્યું કે જીવાજી મારા કરતાં મોટો માણસ છે. એ મારા પણ નમસ્કારને પાત્ર છે.

‘જીવાજી ! બહેનને દવા અને રસ પાઈ મારી સાથે ચાલ.’ મારી આંખમાં આવી ગયેલાં અશ્રુબિંદુને રોકી મેં કહ્યું.

ઘેર જતાં જતાં દરવાજા ઉપર ટાંગેલું ‘માયામઢૂલી’નું પાટિયું મેં કાઢી ફેંકી દીધું.

ટોપલો ભરીને ફળ મેં જીવાજીને આપ્યાં, અને એની બહેન માટે એક સારો ખાટલો,ગોદડાં અને મચ્છરદાની મોકલવા મેં આજ્ઞા કરી.

એથી શું ? ક્યાં જીવાજી, અને ક્યાં હું ? એના અને મારા હૃદયની કક્ષા વચ્ચે આકાશપાતાળ જેટલું અંતર !

એક કલાકાર મારું તૈલચિત્ર તૈયાર કરી મારી પસંદગી માટે સાંજે લઈ આવ્યા. ત્રીસ જગાએ મુકાયેલાં મારા તૈલચિત્રોમાં આ એકત્રીસમું વધવાનું હતું.

મેં ચિત્રકારના જ દેખતાં મારા એ કહેવાતા સુંદર ચિત્રને લાત મારી ફાડી ફેંકી દીધું ! જીવાજીને મારી પાસે બોલાવ્યો અને એની તરફ આંગળી ચીંધીને મેં ચિત્રકારને વિનંતી કરી :

‘આ મારા ગુરુનું તૈલચિત્ર મને કાઢી આપો; રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠતી વખતે એની સામે જોઉં એમ એ ગોઠવવું છે!’

ચિત્રકારે મને પાગલ માન્યો હશે. જીવાજીને પણ કોણ જાણે શું લાગ્યું હશે !