પૃષ્ઠ:Rasbindu.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્તંભોની ઊંચીનીચી હાર એટલી લંબાઈ હતી કે તેની દ્રષ્ટિ આખા વિભાગ સુધી પહોંચી પણ ન શકી. કેટલાક કીર્તિસ્તંભો ઉપર જીવંત મૂર્તિઓ દેખાતી હતી; કેટલીક ઉપર એ મૂર્તિઓ ઝાંખી પડી ગઈ હતી, અને અસંખ્ય કીર્તિસ્તંભો મૂર્તિ વગરના પણ હતા.

કેટલીક જીવંત મૂર્તિઓને તો એણે ઓળખી પણ ખરી.

પેલો તો કૈસર ! જર્મન જંગ મચાવનાર મહા પરાક્રમી પુરુષ ! આખું જગત એને યાદ કરતું હતું. કેવો ભવ્ય લાગે છે !

પણ પેલો નેપોલિયન બીજા સ્તંભ ઉપરથી કૈસરને કેમ હસી રહ્યો છે? કૈસર જાતે દેશનિકાલ થયો; નેપોલિયન કેદી બન્યો. બંને મહાન પુરુષો... પણ પરાજિત ! મહત્તામાં પરાજય પણ ખરો શું ?

ચંગીઝ અને તૈમૂર પરાજયની ના પાડે છે ! ખોપારીઓના કીર્તિસ્તંભ ઉપર એ બંને બેઠા છે ? એશિયા અને યુરોપને ધ્રુજાવનાર એ મહાન...પણ એમની મહત્તાનાં પ્રતીક રાજ્યો ક્યાં ગયાં ? કેટલાં વર્ષ એમણે મહત્તા ભોગવી ?

જૂલિયસ સીઝર તો પોતાના કીર્તિસ્તંભ ઉપર બેઠો બેઠો સહુને વિનવે છે કે :

‘જોજો, મને ભૂલી જતા.’

હૅકટર અને અકીલીઝ, રામ અને કૃષ્ણ, ભીમ અને અર્જુન... કીર્તિસ્તંભ ઉપરથી ઓળા તો બહુ મોટા પાડે છે. પરંતુ કેટલા ઝાંખા એ સહુ બની ગયાં છે ? તથા એ કીર્તિસ્તંભમાંથી કેટલાક તો પડતા જાય છે ! વિક્રમ ? શાલિવાહન ?... નામ જ ઊકલે છે; એ જાતે તો કીર્તિસ્તંભ જોડે પડતા દેખાય છે ! બન્ને કોઈ સંવતશકના દોરને વળગી રહ્યા છે અને તેમના સ્તંભ તો આ પડ્યા !

પાછળ નિસાસા નાખતાં, ગાળ દેતાં, રુદન કરતાં પ્રેતોનો સમૂહ કેમ ભેગો થાય છે?

એકએકથી મોટા કીર્તિસ્તંભો હજી ખાલી પડ્યા છે ! સનાતનને જાણે બોલાવતા ન હોય ?

સનાતને એકાએક ના પાડી. એના મુખ ઉપર જુગુપ્સાનો ભાવ