પૃષ્ઠ:Rasbindu.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માત્ર જયોત્સ્નાગૌરીની યોજનાને ટેકો આપી રહ્યો હતો. જયોત્સ્નાગૌરી મારી સ્થિતિ સમજી શકે એવાં હતાં; તેમણે અર્થ સૂચક સ્મિત કર્યું અને કહ્યું :

‘આ ઝરૂખા માટે તો શિલ્પી–Architectની પણ એમણે સલાહ લીધી હતી.’

‘એણે પણ કહ્યું કે ઝરૂખો કરવાથી બાંધણી કલાલય થશે !’ જયંતકુમારે સાક્ષી પૂરી.

ઝરૂખાના કટ્ટા શત્રુ જયંતકુમાર આજ ઝરૂખામાં કલા નિહાળી રહ્યા હતા. પૂર્વમાં ઊગતો સૂર્ય પશ્ચિમમાં ઊગે એ અમારે મન શક્ય હતું. પરંતુ કડક જયંતકુમાર પોતાનો આગ્રહ ભૂલી જઈ સામા અભિપ્રાયમાં ભળી જાય એ અમે કદી માની શકતા નહિ. આજે નેવાંનાં પાણી મોભે ચઢતાં હતાં-ચઢી ચૂકેલાં હતાં ! નિયમબદ્ધ જયંતકુમાર કલાનો શોખ ધરાવતા હતા એવું અમે જાણેલું નહિ.

‘તમે નવી કલા સમજતા ક્યારથી થયા ?’ મેં પૂછ્યું.

‘શું?’ જયંતકુમારે ઉગ્રતાથી પૂછ્યું.

‘અતિ નિયમબદ્ધ વસ્તુમાં એક અનિયમિતતા દાખલ થાય તો તે આખી કલાને દીપાવે છે. ચૉરસ ઘરમાં આ ઝરૂખો આગળ નીકળ્યો તું મુગટ જેવો દેખાય છે.’ જયોત્સ્નાગૌરી બોલ્યાં.

‘પરંતુ તે દિવસે આપની સમજ ક્યાં જઈ બેઠી હતી?’ મેં જયંતકુમારને પૂછ્યું.

‘તમે આનું કહેવું સાંભળશો નહિ. એને લડાવી મારવાની ટેવ છે.’ જયંતકુમારે મને પ્રમાણપત્ર આપ્યું.

‘પણ મારે લડવું હોય તો ને ? તમારી હા એ જ મારી હા; તમારી ના એ મારી ના. પછી ઝઘડો જ ક્યાં રહે ?’ જ્યોત્સ્ના ગૌરીએ પતિપરાયણતા દર્શાવી; અને બેભાન પતિએ તે સ્વીકારી લીધી. ઝરૂખાનો ઝઘડો બંને વચ્ચે કદી થયો જ નથી એમ જયંતકુમારની દઢ માન્યતા થઈ ગઈ હતી.

હું શૂન્ય બની ગયો. સ્ત્રી એ માયા છે, મોહિની છે, જાદુગર છે,