પૃષ્ઠ:Rasbindu.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાન લેખક : ૧૬૯
 

સાહિત્યમૂર્તિ કહો છો ?’

[૧] દારૂમાંથી દોલત ઉપજાવતા એક ગુજરાતી વર્ગના સાક્ષર પ્રતિનિધિની એ વાણી હતી ! સત્યકથનમાં નીડરતા દેખાડવાનો લોભ સરસ્વતીપૂજકોને પણ ગાળ દેતા ભ્રષ્ટમુખ કરી મૂકે છે. સત્યનું અભિમાન દારૂ જેટલો જ નશો ઉપજાવે છે શું ?

સનાતને ખરેખર કાન બંધ કર્યા, અને એણે ઉર્દૂ કવિ બિસ્મલને એના કીર્તિસ્તંભ ઉપર વિલંબિત ગઝલ બોલતો સાંભળ્યો :

હમારી ખાનાબરબાદી
જો પૂછે તો,અય બિસ્મિલ !
હથેલી પર જરાસી ખાક રખના
ઔર ઉડા દેના !

સનાતનનું સ્વપ્ન સમેટાયું અને એ જાગ્રત થતાં બરાબર એણે એક સત્ય દૃશ્ય જોયું. એક મિત્રોનું ટોળું તેના આવવાની રાહ જોઈ બેઠું હતું.

‘આજે આટલી વહેલી કૃપા ?’ સનાતને પૂછ્યું.

‘તમારો મહોત્સવ ઊજવવો છે.’ એક મિત્રે કહ્યું.

‘મારો ? હું જૈન ધર્મની દીક્ષા લેતો નથી. મેં ભાગવતનું પારાયણ કર્યું નથી, કે લગ્ન...’

‘શું તમે નમ્ર થાઓ છો ? તમારી સાહિત્યસેવાની કદર...’

‘અરે પણ કાંઈ પ્રસંગ વગર ?’

‘પ્રસંગ ? એ તો ગમે તે ઊભો થાય. તમારી જન્મતિથિ તમારા પહેલા પુસ્તકની પચીશી, તમારા લેખનકાર્યની ત્રીસી...’

‘પણ એમાંનું કશું જ ન હોય તો ?’

‘છેવટ કાંઈ નહિ તો તમને પચાસ વર્ષ તો થયાં ને? સુવર્ણ...?’

સનાતનની સામે જ આયનો પડ્યો હતો. સુવર્ણ મહોત્સવથી શરૂ થતા જીવનયુગમાં મસ્તક ઉપર ક્યારના શરૂ થઈ ગયેલા રૌપ્ય


  1. ૧. શ્રી સંજાણના યુનિવર્સિટી વ્યાખ્યાનોનાં સ્મરણ


.