પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એની મને ખાતરી થઈ ગઈ. જ્યોત્સ્નાગૌરીએ જયંતકુમારના ઘરને ઘડ્યું હતું. નકશો અને પ્લૅનનો ભારે વિચાર કરી ડગલું ભરનાર જયંતકુમારના ઘરની એકેએક ઈંટમાં મને જ્યોત્સ્નાગૌરી દેખાયાં. જયંતકુમારની યોજનાનો અંશ પણ એ મકાનમાં હું દેખી શક્યો નહિ. એકેએક વસ્તુ તેમનાં પત્નીની યોજનારૂપ હતી !

જ્યોત્સનાગૌરીએ ઘરને ઘડી પોતાની એક અદ્દભુત શક્તિનો પરચો મને કરાવ્યો. સ્ત્રી ઘરને જ ઘડે છે એમ નહિ, તે પુરુષને પણ ઘડે છે. નહિ તો જગતમાં આગ્રહી, જિદ્દી, ટેકી, એકવચની, ઉગ્ર ગણાતા સૂર્યચંદ્ર સરખા નિયમિત જયંતકુમાર આ જુદા સ્વરૂપમાં મને દેખાય? એ જુદું સ્વરૂપ નહિ, ખરું સ્વરૂપ–સ્ત્રીએ ઘડેલું સ્વરૂપ !

અને પુરુષ માને છે કે તે સ્ત્રીનો સ્વામી છે, પતિ છે, માલિક છે ! મૂર્ખાઈની પરાકાષ્ટા ! જગતમાં પુરુષનું ધાર્યું કાંઈ જ થતું નથી. પુરુષ તો નિમિત્ત માત્ર છે. તેની ધારણા નિરર્થક છે, જો સ્ત્રીની ધારણાથી તે વિરુદ્ધ હોય તો.

‘શા વિચારમાં પડ્યા ?’ જયોત્સ્નાગૌરીએ મને પૂછ્યું.

‘કાંઈ નહિ. હું આજે સ્ત્રીપુરુષના સરખા હક્ક વિશે વ્યાખ્યાન સાંભળી આવ્યો; તેના વિચાર કરું છું.’

‘Bosh...તદન ખોટું!’ જયંતકુમારે કહ્યું.

તેમના અભિપ્રાયને પૂરું ઉચ્ચારણ મળે તે પહેલાં જ જ્યોત્સ્નાગૌરીએ તેમના મતને ટેકો આપ્યો :

‘સરખા હક્ક ? એ તે હોઈ શકે? પુરુષ તે પુરુષ અને સ્ત્રી તે સ્ત્રી ! પુરુષોનું માનસિક અને શારીરિક બળ તેમને જ વધારે હક્ક આપે ! ' જ્યોત્સ્નાગૌરી હસતાં હસતાં બોલ્યાં.

‘જો, સાંભળ.’ જયંતકુમારે અત્યંત રાજી થઈ મને કહ્યું, જ્યોત્સ્નાગૌરી જાણે દેવી હોય અને તેમના કથનમાં કોઈ પયગંબરી સંદેશ હોય એવા ભાવથી જયંતકુમાર બોલ્યા. એમાં ઉપરથી જોતાં પુરુષના હક્કની પ્રતિષ્ઠા હતી. પરંતુ જયંતકુમારની શ્રેષ્ઠતા પાછળ એક કુશળ, દક્ષ, પ્રેમાળ અને બાહોશ સ્ત્રીનું પૂરેપૂરું અવલંબન હતું