પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જવાબ આપનાર મનુષ્યને બહુ નવાઈ લાગી. જે ગવૈયાએ પોતાનું ઘર વેચી નાખ્યું હતું, જીવતાં સુધી એકાદ ઓરડીમાં પડી રહેવા પૂરતો પોતાને હક્ક રાખ્યો હતો, પાંચેક વર્ષથી જેણે ગાયકી બાજુએ મૂકી દીધી હતી, બધાં જ વ્યસન જેણે વળગાડ્યાં હતાં, અને અનેક પ્રકારની માંદગી ભોગવતો પાડોશીઓની નિષ્ઠુર અને ન છૂટકાની ઉદારતા ઉપર જીવતો મૃત્યુને બિછાને જે પડ્યો હતો, તે ગવૈયાના દર્શન માટે કોઈ પણ માનવી આવે એ એને મહા આશ્ચર્ય હતું.

‘એમનું મગજ ખરાબ થઈ ગયું છે. પૂછીશું તો ય અવળો જવાબ આપશે.’

‘છતાં પૂછી જુઓ. એટલી તસ્દી અમારે ખાતર લો.’

‘કોનું નામ આપું?’

‘કહેજો કે બૈજનાથ આપનાં દર્શને આવ્યો છે.’

‘બૈજનાથ ? હિંદનો મશહૂર ગાયક ! સિનેમા અને ગ્રામોફોન કંપનીઓ જેના અવાજને લાખો રૂપિયા અર્પણ કરે છે, જેને સાંભળવા લાખો માણસ તલપી રહે છે, જેનું નામ દેતાં સંગીતશોખીનો થાકતા નથી, અને જેનું ઓળખાણ લખપતિઓ, ધનાઢવ્યો અને નેતાઓના હૃદયમાં પણ ગર્વની લાગણીઓ ઉપજાવે છે, બૈજનાથ આજ આ નાનકડી ખડકીમાં આવી ઊભો હતો ? યુવકે ધારી ધારીને બૈજનાથ સામે જોયું; એની પ્રખ્યાત થઈ ગયેલી છબી યાદ કરી અને ઘડી ક્ષણોમાં બૈજનાથનું સામ્ય છબી સાથે મળી ગયું.

‘ગભરાશો નહિ. કદાચ મારું નામ તેમને યાદ રહ્યું હશે. એક એમના દર્શન કરવા સિવાય બીજું કશું જ કામ મારે નથી.’ વિચારમાં પડેલા યુવકને સંગીતકાર બૈજનાથે કહ્યું.

યુવક અંદર ગયો, અને તત્કાળ પાછો ફર્યો. સારંગધર પંડિતે સહુને પોતાની ઓરડીમાં આવવાની રજા આપી હતી. અને એ ઓરડીમાં હતું શું? અડધું અંધારું. અંધારાથી આંખ ટેવાય એટલે ભીંત ઉપર સરસ્વતી, શંકર, કુષ્ણ, નારદ, રાવણ, હનુમાન જેવા સંગીતાચાર્યોનાં જૂની ઢબનાં ચિત્રો લટકતાં દેખાતાં