પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંગીતશોખીનોએ પણ માંડી વાળ્યું. છેલ્લાં આઠ દસ વર્ષમાં તો તેઓ એકલવાયા બની ગયા. હિંદભરમાં ઘણા ય સંગીતકારો એવા હતા કે જે સારંગધરના શિષ્ય કહેવરાવામાં માન સમજતા હતા. પરંતુ સારંગધરની પાસે આવવું કે સારંગધરને બોલાવવા એ સ્થિતિ હવે તદ્દન બદલાઈ ગઈ. વર્ષે એકબે માણસો ખબર કાઢવા આવતાં; તેમને કેટલી વાર તેઓ મળવાની ના પાડી દેતા. કોઈ જૂનો મિત્ર કે શિષ્ય મનીઓર્ડર મોકલે તે તે પાછો કાઢતા અને પત્રમાં બીડેલી નોટ આવતી તો તેઓ ફાડી નાખતા અને બોલી ઊઠતા : ‘મને ભિક્ષુક માન્યો, એમ?’

જૂના પાડોશીઓની કાળજી – મહેરબાની જરા પણ દેખાય નહિ એવી કાળજી – તેમને જીવતા રાખી શકી હતી. નવી ઊછરતી પ્રજા તેમને નિરુપયોગી ચક્રમ ડોસા તરીકે ગણી તેમની ઉપેક્ષા કરતી. એ ઉપેક્ષાની તેમને પરવા પણ ન હતી. રસ્તે ચાલતાં ગવાતાં સિનેમા- ગીત પ્રત્યે તેઓ તિરસ્કારની લાગણી વારંવાર વ્યક્ત કરતા, અને ઝડપમાં જ કૌશલ્ય માનતી આજની દુનિયાએ તેમની દીર્ઘસૂત્રી તૈયારી અને જમાવટના લંબાણથી કંટાળી તેમને ઝડપથી ભૂલવા માંડ્યા. સારંગધર એક સમયના હિંદવિખ્યાત સંગીતકાર હતા એ વાત વિસારે પડી, અને કદાચ આ સારંગધર એ જ પેલા જાણીતા સંગીતકાર એમ કોઈ કહે છે તે માનવા માટે પણ હવે બહુ ઓછા માણસોની તૈયારી હતી. આજના હિંદમાં સર્વોપરી સંગીતકાર તરીકે હવે બૈજનાથનું નામ વ્યાપક થઈ ગયું હતું. એ બૈજનાથ આજ ભુલાઈ જતા સારંગધર પાસે આવ્યા. સાંભળનારને નવાઈ લાગે એમ હતું.

‘એ જ શરીરનાં દર્શને હું આવ્યો છું.’ બૈજનાથે કહ્યું.

‘ઘેલો લાગે છે ! મને ઓળખે છે ખરો ?’ બેસતાં બેસતાં સહજ હસી સારંગધરે કહ્યું.

‘આપને ન ઓળખે એ સંગીતને જ ઓળખતા નથી.’