પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પણ..... મને તો કહ્યું કે... કોઇ મશહુર ગાયક આવ્યો છે.’ તને તો જોયો છે. બરાબર દેખાતું નથી...’ તાવ, ઘસારો અને ઉગ્રતાથી ક્ષીણ બનેલા સારંગધરની આંખ ઠરતી નહિ અને માણસો ઓળખવાનું મુશ્કેલ થઈ પડ્યું હતું. તેમને વાળ ધોળા થઈ ગયા હતા. આંખ ઉપરની ભમર પણ ધોળી બની સારંગધરને કોઇ અન્ય દુનિયાના પ્રાણીનું સ્વરૂપ આપી રહી હતી.

‘હું બૈજુ...આપનો શિષ્ય...’

‘બૈજ્નાથ ! હાં...હાં ! સાંભળ્યું’તું કે તું તો ભારે નામ કાઢી રહ્યો. પાસે આવ...બેટા ! રીસ ઉતરી ?’ સારંગધરે હાથ લાંબો કરી પરમ વાત્સલ્યથી બૈજનાથનો હાથ પકડી પોતાની પાસે ખેંચી બેસાડ્યો, અને તેની સામે વારંવાર નિહાળી તેને વાંસે અને માથે હાથ ફેરવ્યો. સારંગધરની આંખમાં નવી ચમક દેખાઈ.

‘તાવ તો વધારે લાગે છે, પંડિતજી ! વૈદ્ય ડોકટરને બોલાવવા છે?’ સારંગધરના હાથની ઉનાશથી ચમકી બૈજેનાથે પૂછ્યું.

‘वैद्यो नारायणो हरि : । અને મારે તો નારાયણે સંગીત અને હરિ પણ સંગીત !’

‘આપ એક કૃપા ન કરો ?’

‘હું ? કૃપા ? મારું શરીર તો જો ! હું કોના ઉપર કૃપા...’

‘આપને હું મારી સાથે લઈ જવા આવ્યો છું...’

‘હું જંજાળરૂ૫ છું એનું ભાન તને રહ્યું છે ખરું ?’

‘જંજાળ ? જે ગુરુનું સ્મરણ કર્યા પછી જ હું દિવસ શરૂ કરું છું એ જંજાળ ?’

‘મારું સ્મરણ ? જગતને પૂછ... અરે મને જ પૂછ કે હું કેટલો પાપી છું !’

‘હું ન માનું. મારે જગતને પણ પૂછવું નથી અને આપને પણ પૂછવું નથી. નાદબ્રહ્મની ઉપાસનામાં પાપ પ્રવેશ જ ન પામે.’

સારંગધર બૈજનાથની સામે જોઈ ૨હ્યા. તેમનામાં સ્થિરતા આવતી દેખાઈ. તેમની આંખ તેમના હૃદયની વાત કહી રહી હતી.