પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮  : રસબિન્દુ
 

સારંગધરે પાપ કર્યું જ ન હતું એવો એ વાતનો મર્મ હતો. એમનાં કહેવાતાં પાપ નાદબ્રહ્મ સાથેની એકાગ્રતા સાધવાનાં ઉગ્ર સાધનો હતાં અથવા સંવાદ હલાવી નાખતી ક્લિષ્ટ આંધીમાંથી બહાર નીકળવાના હઠયોગ પ્રયત્નો હતા. સારંગધરને જગતમાં સંવાદસ્વર્ગ સર્જવું હતું: સૂર, લય અને તાલની ત્રિવેણી માનવજાત સન્મુખ વહેતી કરવી હતી; અને એ માટે પોતાની કલ્પનાસૃષ્ટિ પણ સંગીતની જ બનાવી હતી. આખી સૃષ્ટિ ને તેઓ સંગીતસ્પર્શથી જ ઓળખતા હતા એમ કહીએ તો ચાલે. સજીવ કે નિર્જીવ સૃષ્ટિનાં સર્વ હલન-ચલનમાં તેઓ સંગીત વાંચતા અને રાગ, રાગણી, તેમના મિશ્રણ, વિધવિધ લયમાં તેમનાં આયોજન, અને તાલની રમતમાં જ પોતાના જીવનને વ્યતીત કરતા હતા. દૂધવાળી દૂધ વેચતાં ‘દૂધ લો દૂ...ધ !’નો વિલંબિત ઉચ્ચાર કરતી સંભળાય તો સારંગધર બોલી ઊઠતા : ‘ક્યા ગાંધારમેં ચલી જાતી હય !’ કોઈ નવવધૂ નૂપુરના આછા ઝણકારસહ શેરીની એક કોરે ચાલી જતી હોય તો સારંગધર એ ઝણકારને ‘ગીડ ગીડ તામ છુમ છુમ’ ના તોડામાં બેસાડતા, અગર કોઈ ઘોડો ગીદ કે છારતકમાં જતો તો તરત સારંગધરને આખું જગત ઝપતાલ કે દાદરાના ઠેકા લેતું સંભળાતું.

પરંતુ એ બાહ્ય જગતમાં જ્યારે તાલભંગ કરતાં તત્વો તેમને દેખાતાં ત્યારે સારંગધરના ક્રોધનો પાર રહેતો નહિ. અને એ તાલભંગ ક્યાં અને ક્યારે થતો એ બાબતમાં સારંગધર અને માનવજાત વચ્ચે સતત મતભેદ ચાલતો હોવાથી તેમની આસપાસના જગતમાં સારંગધર અનેક ઘર્ષણો ઊભાં કરતા એમ જગત કહેતું. જો કે સારંગધરને જગતને દોષ કાઢવાની ફુરસદ મળતી નહિ. તાલભંગસ્થિતિ પર રોષ દર્શાવી તેઓ તત્કાળ નાદબ્રહ્મની ઉપાસનામાં જોડાઈ જતા. પરંતુ જગત સારંગધરના ક્રોધને ભૂલતું નહિ. પડોશમાં કોઈ મા પોતાની દીકરીને ચીસ પાડી બોલાવે તો સારંગધર બારીએ આવી બોલતા : ‘ઈશ્વરે આવું સારું ગળું આપ્યું છે. ટીપને બદલે એને ખરજમાં ગોઠવો ને, બહેન ?’ અને સારા