પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંગીતસમાધિ : ૧૭૯
 

ગળાંવાળી એ બહેન ટીપને પણ તતડાવતો સૂસર કાઢી સારંગધરની સૂરસૃષ્ટિમાં અસહ્ય ઊથલપાથલ કરતી.

‘આ પાછું મીઠું વેર્યું ! પરમેશ્વર પાંપણથી ઉપડાવશે. સમજી ?‘’ મીઠું વહુએ વેર્યું હોય કે ન હોય છતાં ઘરની પ્રત્યેક અવ્યવસ્થા માટે ઘરની વહુ જ જવાબદાર છે તે સિદ્ધાંત અનુસાર જીવન ઘડી ચૂકેલી સાસુને વહુ જવાબ આપતી :

‘પણ મેં ક્યાં વેર્યું છે ?

એટલે સાસુને પોતાના રાજ્યમાં બંડ ઊઠ્યાની થઈ ચૂકેલી ખાતરી વધારે દૃઢ થતી, અને દલીલને બદલે હિંદના વિલાયતી રાજ્ય માફક-કહો કે જગતનાં સર્વે રાજ્યની માફક સાસુનો કંઠ ઉચ્ચાર કરતો : ‘એમ ? સામું બોલે છે?’

એ ઉચ્ચાર સાથે હિંદરક્ષણધારા કરતાં પણ વધારે વ્યાપક સત્તા ધરાવતા કુટુંબશાયક નિયમ અનુસાર લેવાનાં પગલાંના ધબકાર સારંગધરને વ્યથિત કરી મૂકતા અને અંતે તેમનાથી બોલાઈ જતું :

‘અરે બાઈ ! હવે રાત પડી. જરા બોલતાં તો તે બંધ થાઓ ? વેરાયું હોય એના કરતાં બમણું મીઠું હું તમને આપું.’

‘મોટો મીઠું આપનાર ના જોયો હોય તો ! હું બોલું છું તેમાં તારા બાપનું શુ ગયું ?’

પડોશીની એક કર્કશ ચીસ આસપાસના રહીશોની સાત પેઢીના સૂરસંવાદને હલાવી નાખે છે એ સત્યસાસુને સમજાવવાના સારંગધરના પ્રયત્નો કર્કશ ચીસનાં અનેક અવર્તનો ઊભાં કરતાં.

હિંદમાં શૌર્યને સંસ્કાર નથી એમ કહેનારને કેટલાક પતિદેવોનાં રુદ્રરુપ બતાવવાની જરૂર છે. સારંગધરના પડોશમાં રહેતાં એક લાભશોધન પતિએ પોતાની પત્ની ઉપર હાથપ્રહારનો વંટોળિયો વેર્યો, અને આવા પ્રસંગે પત્નીનો જ દોષ હોવો જોઈએ એવી સામાન્ય માન્યતાનો વિરોધ કરી સારંગધર તેના ઘરમાં ધસી આવ્યા અને પતિના ‘બ્લિટ્ઝ’ હુમલાને રોકવા લાગ્યા :

‘આ સારું કહેવાય ? સ્ત્રી પર આમ હાથ.....’ સારંગધરે કહ્યું :