પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંગીતસમાધિ : ૧૮૧
 

પ્રભાતના પવિત્ર મનોહર રાગ કોઈને પણ વિક્ષેપ ૫માડે ખરા ? સારંગધરને આશ્ચર્ય ઊપજ્યું. એ પ્રશ્નનો જવાબ પણ મળ્યો કે:

‘ભાઈ ! આમ બોળાળવું હોય તો કોઈ એકાન્ત બંગલામાં રહો !’

અસ્વસ્થ સારંગધરને બંગલાની નવાઈ ન હતી. માત્ર જે સ્થળે એણે સ્વરસાધના કરી હતી તે સ્થળ છોડવાની તેમની તૈયારી ન હતી. છતાં રિસાઈને તેમણે થોડા દિવસ બંગલા સેવ્યા. બંગલાના માલિકો સારંગધરને પોતાના મકાનમાં રાખવાનું માન મેળવવા આતુર તો હતા જ. માલિકોને તો નહિ, જ પરંતુ માલિકોની સ્ત્રીઓ કે પુત્રીઓને સંગીતનો શૉખ કેળવવાની ફુરસદ મળે છે. એવી એક શિષ્યાએ તેમને પોતાના જ બંગલામાં રહેવાની સગવડ કરી આપી.

પરંતુ એ શિષ્યાના પતિનું દૃશ્ય સારંગધરને અતિશય સંગીત-વિરોધી લાગ્યું. એ ધનિક ગૃહસ્થે લાખો રૂપિયાના ખેલ રચ્યા હતા, શૂન્યમાંથી વિશ્વામિત્રની માફક પોતાની વ્યાપારદૃષ્ટિ તેમણે સરજી હતી, અને સફળ માનવી તરીકે – માનવી તરીકે નહિ પણ વ્યાપારી તરીકે – મોટું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સરકાર-દરબારમાં પણ પૈસાના પ્રભાવે તેમને સ્થાન હતું. માત્ર સફળ વેપારના એક ફળ રૂપે તેમનો દેહ બેડોળ બનતો જતો હતો, અને કુટુંબ તરફ નજર કરવાની તેમની ફુરસદ ઘટતી જતી હતી, પૈસો એ તેમનું સર્વસ્વ હતું અને તે પૈસો જરૂર પડ્યે પત્નીને પણ તેઓ આપતા. પરંતુ હૃદયની આસપાસ ધનના કોટકિલ્લા રચનાર એ ધનિકનું હૃદય પત્નીને મળ્યું નહિ. દેહસ્થૂલતા રૂપે ફૂટી નીકળતું ધન દેહને હાસ્યપાત્ર બનાવી રહ્યું અને હાસ્યની સીમા ઓળંગી ગયેલી પત્નીને પતિ માટે ઘૃણા ઉપજી. સારંગધર અને તેમની શિષ્યાનો ધનિક પતિ માટે એકમત થયો. પૈસા અને પ્રેમ બેની પસંદગી માનવ જાતે કરવાની હોય છે. એક જ વ્યક્તિમાં એ બંને મહાપ્રાપ્તિઓ ભાગ્યે જ ભેગી થાય છે, એટલે જનતાને એ જુદે જુદે સ્થળે શેાધવાં પડે છે. શિષ્ય પાસે