પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨ : રસબિન્દુ
 

ધન તો હતું જ – પતિનું, પરંતુ પ્રેમ ન હતો; તે તેણે સારંગધરમાં શોધ્યો. લગ્ન સિવાય સ્ત્રીપુરુષના જીવનમાં સંવાદ ન જ સધાય એવી માન્યતા સારંગધરની ન હોવાથી તેઓ શિષ્યાને અનુકૂળ થવા ગયા. શિષ્યાનો બેડોળ પતિ પ્રેમમાં શુષ્ક હતો, જાસૂસીમાં નહિ. એની આંખોએ સારંગધર અને પોતાની પત્નીના સંબંધમાં સંગીત કરતાં વધારે નિકટતા પ્રગટતી નિહાળી, અને પરિણામે પત્નીને તો તેમણે ન ત્યજી, પણ સારંગધર બંગલામાં – કોઈ પણ ગૃહસ્થ બંગલામાં – રહેવા માટે નાલાયક બનાવ્યા.

બંગલામાંથી બહાર હડસેલાયેલા સારંગધરને એક પરિચિત નર્તકીનું આમંત્રણ મળ્યું, અને નર્તકીની આંખના તેજ સાથે મદ્યની પ્યાલીનો રંગ પણ એક થતાં સારંગધરે દારૂને નશામાં શાંતિ પ્રાપ્ત કરી. પછી તો સંગીતવિહોણી સૃષ્ટિને સૂરમાં લાવનાર મદિરા જ તેમની મિત્ર બની. ચીસ પાડતી માતા, પત્નીને માર મારતો પતિ, સંગીતશત્રુ પડોશી અને રૂપગુણ વગરના, તથા સ્ત્રીનો પ્રેમ ન જીતી શકતા ધનિક કરતાં શરાબની શાંતિ આપતી નર્તકી ઓછું પાપ કરે છે અને જીવનમાં ઓછા તાલભંગ કરે છે એમ માનતા સારંગધરે સમાજમાં કંઈક અસ્વીકૃત સંબંધોમાં જ સંગીતમયતાનો અનુભવ કરવા માંડ્યો. અને જોકે સંગીત શૉખીનો તો તેમને શોધતા જ રહેતા, છતાં પ્રતિષ્ઠ કહેવાતા સમાજે તેમનાથી અલગ રહેવા માંડ્યું; અગર તેમને અલગ – અસ્પૃશ્ય રાખ્યા. સેંકડો ગરીબોના લોહીમાંસ ઉપર મિલકત ઊભી કરનાર ધનિક છુટ્ટે હાથે પૈસા વેરતાં ભિખારી બનેલા એક કલાકાર કરતાં વધારે પ્રતિષ્ઠિત શા માટે ? જુઠ્ઠાણાં ઉપર જાહોજલાલી રચનાર કરતાં વકીલ સૂરગંગા રેલાવનાર એક નર્તકી કરતાં વધારે વિશુદ્ધ કેવી રીતે ગણાય ? વહુના હૃદયમાં અગ્ન્યસ્ત્ર ભોંકતી સાસુ કરતાં એ અગ્ન્યસ્ત્રથી બચવા ઘર છોડી ગમે ત્યાં આશ્રય શોધતી વ્યભિચારી મનાતી વહુ વધારે પાપી હોઈ શકે ખરી ? ખુશામત કરતા એક સફળ માનવી કરતાં દુઃખ દાટવા વ્યસન શોધતો માનવી વધારે વંઠેલ કેમ કહેવાય? આવા આવા પ્રશ્નોનાં