પૃષ્ઠ:Rasbindu.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંગીતસમાધિ : ૧૮૩
 

ઉત્તર પ્રતિષ્ઠિત સમાજ પાસે છે જ નહિ. સારંગધરના હૃદયમાં એ પ્રશ્નો ઉઠ્યા અને એમણે અપ્રતિષ્ઠિત કહેવાતા જીવનની બાજુઓનો આશ્રય લઈ પ્રશ્નોના ઉત્તર મેળવ્યા. એમાં જ એમને સંગીત વધારે સાચું બનતું લાગ્યું. પુણ્યશાળી મદાંધ કરતાં પાપી મનાતી જનતામાં વધારે સાચી સંગીતભક્તિ તેમને દેખાઈ, અને સારંગધરે પાપીઓમાં પોતાનું નામ કોતરાવ્યું. એમને પુણ્ય કરતાં સંગીત વધારે વિશુદ્ધ લાગ્યું. પુણ્ય કે પ્રતિષ્ઠા સંગીતવિરોધી કે સંગીતવિહોણાં હોઈ શકે જ નહિ એવા આગ્રહને લીધે સારંગધર જલસાઓને બદલે જમાતોમાં, વિદ્વાનોને બદલે ખાખીઓમાં, ધનિકોને બદલે ફકીરોમાં અને મંદિર-મસ્જિદને બદલે મયખાનામાં વધારે સમય ગાળવા લાગ્યા.

અલબત્ત આ જીવનસરણીએ તેમના ગળાને જરા ખોખરું બનાવ્યું અને તેમના સ્વભાવને ઉગ્ર બનાવ્યો. સંગીતની વિશુદ્ધિ માટે, સંગીતના સ્વરૂપ માટે, સંગીતના સૌન્દર્ય માટે તેમણે રજપૂત જેવું તીવ્ર અભિમાન કેળવ્યું અને જરા જરામાં તલવાર ઉઠાવવા જેવું શૌર્ય વિકસાવવા માંડ્યું. સંગીતની જરા પણ ખામી, સંગીતની જરા પણ વિરૂપના સારંગધરને અસહ્ય થઈ પડતી અને તેને લીધે તેમના મિત્રો, શિષ્યો અને ભક્તો પણ જરા આઘા ખસવા લાગ્યા. દીપક રાગ જીવંત છે કે નહિ એની ચર્ચામાં તેમને આખી સંગીતશાળા સળગાવી દેવાનું મન થતું. કર્ણાટકી પૂર્વી અને હિંદુસ્તાની પૂર્વી વચ્ચે કેટલો ભેદ છે એનું દિગ્‌દર્શન કરાવવા તેઓ કાં તો આખા દક્ષિણ હિંદુસ્તાની સંગીતને કે આખા ઉત્તર હિંદુસ્તાની સંગીતને દાટી દેવા તત્પર થતા. કથકલી નૃત્ય અને જાવાબાલીનાં નૃત્યો વચ્ચે ઊભાં થયેલા વિરોધોનું સમાધાન સૂચવતાં તેઓ સઘળા નર્તન ઉપર શાપ વરસાવના – જોકે તેમનું જ્ઞાન અને તેમની સમજ તેમની પાસે આવા આવા પ્રશ્નોના ઉકેલ માટે અનેક સંગીતવિદોને આકર્ષ્યા કરતાં હતાં, સંગીતની સઘળી ચર્ચામાં તેમને રસ હતો. સહુ કોઈ તેમનો મત માંગતું, પરંતુ ધીમે ધીમે એ રસમાં કટુતા પ્રવેશ પામી અને તેમના મનમાં તલવારની ધારનાં દર્શન થવા લાગ્યાં. જે સંવાદ ઉપર ભાર મૂકી