પૃષ્ઠ:Rasbindu.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪: રસબિન્દુ
 

સારંગધર સમાજને હડસેલી રહ્યા હતા, એ સંવાદના આગ્રહમાં તેમણે સંગીતસૃષ્ટિને પણ ડામાડોળ બનાવી સંવાદને – જીવનસંવાદને હલાવી નાખવા માંડ્યો. શિષ્યો પણ ધીમે ધીમે તેમનાથી ખસતા થયા. તેની તેમને પરવા ન હતી. સંગીતની તેમની કક્ષા પળે પળે ઊંચી ચડતી હતી; એ કક્ષા સાચવવા તેઓ દુર્વાસા સરખી ઉગ્ર સાવધાનતા રાખતા અને જ્યાં જીવનસંવાદમાં ઘર્ષણ ઊભું થતું ત્યાં વ્યસનની ધૂનમાં તેને છુપાવી સંગીતસૃષ્ટિને તેઓ સજીવન રાખતા.

સંગીતમાં પારંગત બનેલો એક યુવાન સારંગધર પાસે આવ્યો. સારંગધરનો હાથ માથે મુકાય નહિ ત્યાં સુધી સંગીતમાં અંતિમ સફળતા ન મળે એવી સંગીતકારોમાં માન્યતા હતી. ઉત્તમ પ્રકારનું શિક્ષણ પામેલા સંગીતવિદોની છેલ્લી તાલીમ સારંગધરની. તેમની પાસે ગાળેલો સમય બહુ જ કિંમતી – સંગીતમુકુટની કલગીસરખો ગણાતો. એટલે સારંગધરના સ્વભાવની વિચિત્રતા સહન કરીને પણ વર્ષમાં એક બે સંગીતશિષ્યો તેમની પાસે શિક્ષણ લેતા જ રહેતા. અને એમના શિક્ષણની ખૂબી એવી હતી કે સંગીતકારોના સંગીતને સહજમાં ઓપ આપી દેતી. એ યુવાનની તૈયારીથી સારંગધર બહુ રાજી થયા અને તેને પોતાની સર્વ કલાસમૃદ્ધિ સમર્પી દેવાનો તેમણે નિશ્ચય કર્યો. શિષ્ય પણ અધિકારી હતો જ. સંગીતનું તેનું જ્ઞાન વિશિષ્ટ પ્રકારનું હતું, અને તેના ગળાની કેળવણી એટલી ઉમદા હતી કે કઠણમાં કઠણ તાન, મુરકી તથા ગમકને તે દેખાડતાં બરોબર સિદ્ધ કરી લેતો હતો. સારંગધરને લાગ્યું કે પોતાને નવું જીવન મળે છે. સંગીતના જ સ્વપ્નમાં રાચનાર એ કલાવિદને લાગ્યું કે એ શિષ્ય સંગીતસમૃદ્ધિ સાચવશે એટલું જ નહિ પણ તેને વધારશે.બહુ જ વાત્સલ્યથી સારંગધરે તેને સંગીતનું જ્ઞાન આપવું શરૂ કર્યું.

શિષ્યને માત્ર એક કુટેવ પડી ગઈ હતી. એ કુટેવ પણ એણે એના અન્ય સંગીતગુરુઓ પાસેથી જ મેળવી હતી. સંગીત સરખી