પૃષ્ઠ:Rasbindu.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંગીતસમાધિ : ૧૯૧
 


‘વાહ વાહ ! હજી બે વખત ઘૂંટ. કાયમ બેસી જશે.’ કહી સારંગધરે શિષ્યને ઉત્તેજન આપી રહ્યા, અને થોડી વારમાં તો ગુરુ અને શિષ્ય વચ્ચે સંગીતની વિલંબિત આપ-લે શરૂ થઈ ગઈ. વર્ષોથી સંતાઇ રહેલી સઘળી સંગીતસમૃદ્ધિ સારંગધરે બૈજનાથ પાસે ખુલી મૂકી દીધી. બૈજનાથે એ તત્કાળ હસ્તગત કરી લીધી.

‘હવે તું સંગીતનો દેવતા લાગે છે. તને લોકો કેમ માને છે એનું રહસ્ય સમજ્યો ?’ સારંગધરે ચાલતા સંગીતે કહ્યું. બૈજનાથ એ રહસ્ય બરાબર જાણતો હતો. એણે પોતાના મુખસૌંદર્યને સંગીતની જ ઉચ્ચ કક્ષાએ રાખ્યું હતું. મુખ જરા ય વિકૃત બનતું નહિ ઊલટું સંગીતની અસર ઘેરી બનતી જાય તેમ તેમ બૈજનાથનાં મુખનું સૌંદર્ય વધતું જતું હતું.

સારંગધર તો ઉલ્લાસમાં ઝૂલતા હતા. વર્ષોથી મૂકેલું સંગીત આજ વિશુદ્ધ કલાસ્વરૂપમાં પાછું દર્શન દેતું હતું.

તબલું વગાડનાર એક તાલ સહજ ચૂક્યો અને સારંગધરે લાલ આંખ કરી તેના હાથમાંથી વાદ્ય લઈ લીધું. સારંગધરની આંગળી અને થાપ પડતાં એ જડ વાદ્ય સંગીતને કોઈ અનેરું સ્વરૂપ આપી રહ્યું. રંગબેરંગી વાદળમાં ચંદ્ર ફરતો હોય એમ તાલની વચ્ચે બૈજનાથનો રાગ ફરવા લાગ્યો. સંગીતકારને બિરદાવતો વાદ્યકાર ગુરુ પોતાની કલા વડે સંગીતને સ્વર્ગ પાતાળનાં અનુપમ ઝોલાં ખવરાવતો હતો એનું ભાન શિષ્યને થયું. અને રીસમાં ભાગી જઈ બાર વર્ષના ગાળામાં એણે ખરેખર કેટલું ગુમાવ્યું તેનો વિચાર બૈજનાથને આવ્યો.

‘હાં. એકચિત્ત બન. સંગીત તો આરાધના છે. વાહ !’ સંગીતમાં એકાગ્રતાનો થતો ભંગ સારંગધર જેવા સંગીતકારને ખૂંચે જ, સંગીત દ્વારા જ જગતના સર્વ વ્યવહારને ઓળખનાર એ સંગીતયોગીએ બૈજનાથના ગીતોને હજી ઊંચી કક્ષાએ ચડાવ્યું. સંસારનું, જગતનું, સ્થળકાળનું ભાન ભૂલી ગયેલા બંને ગુરુશિષ્ય સંગીતસ્વર્ગમાં મહાલી રહ્યા. બન્નેના હૃદય તથા દેહ રાગતાલના આસ્વાદમાં, અમૃતની મીઠાશ અનુભવી રહ્યાં. સુરતાલની સૃષ્ટિ કલા