પૃષ્ઠ:Rasbindu.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ખાલી ન હોય તો બીજું શું થાય?’

‘એમ કેમ ? કોઈ ભાડે નથી રાખતું ?’

‘કોના ભોગ લાગ્યા હોય કે...પણ જુઓ ને ભાઈ, તમને ગમતું હોય તો અમારે શું?’

‘એ કોણ બતાવશે?’

‘જોઈ લો.એને તાળું કદી લાગતું જ નથી.’

મને લાગ્યું કે ઘરના માલિક અને મને માહિતી આપનારની વચ્ચે કોઈ અણબનાવ હોવો જોઈએ. મને થયું કે હું જાતે જ કમ્પાઉન્ડમાં જઈ ઘરમાલિકને મળી કોઈને પૂછ્યાગાછ્યા વગર જ વ્યવસ્થા કરી લઉં. ઘરનો એકાદ ભાગ મળે તોપણ તાત્કાલિક મારે માટે બસ હતું.

કમ્પાઉન્ડનો ઝાંપો ખોલી હું ઘરને ઓટલે ઊભો રહ્યો. આવડા મોટા અને સારા ઘરમાં આટલી બધી શાન્તિ કેમ હતી તેની મને સમજ પડી નહિ. નવી ઢબની ઘંટડી વગાડતાં બરોબર બારણું આપોઆપ ખૂલી ગયું. મેં અંદર પ્રવેશ કર્યો. ઘર સારું, સફાઈ- ભર્યું, થોડા થોડા ફર્નિચરવાળું હતું. એ જોઈ મને આનંદ થયો. મને એમાં ખૂબ અનુકૂળતા દેખાઈ. પ્રથમ ઓરડામાંથી હું બીજા ઓરડામાં ગયો, અને બીજામાંથી ધીમે રહી હું ત્રીજા ઓરડામાં ગયો: બધે જ મને ગમતી સ્વચ્છતા, મોકળાશ અને ગૂંચવણ વગરની ગોઠવણી નજરે પડ્યાં. પણ એકાએક મને થયું કે બારણું ઉઘાડનાર કોઈ કેમ દેખાયું નહિ?

અને આવી સ્વચ્છ ગોઠવણીવાળું ધર આટલું બધું શાંત અને એકાન્તભર્યું કેમ ? હું શું કોઈ તિલસ્માતી ઘરમાં આવ્યો હતો ? શું કોઈ જાદુઈ મકાન મને આકર્ષતું હતું ?

જરા સરખા એકાન્તથી આમ ડરી જવું એમાં મને શરમ ઉપજી. દુનિયાનો ભાર ઊંચકવા તત્પર બનેલા યુવકે ઘરની શાંતિથી ગભરાવું એ તેને જરા ય શોભાસ્પદ કહેવાય નહિ. ઘર મોટું હતું, ખુલ્લું હતું.ગોઠવણીવાળું હતું. નોકર અંદરના ભાગમાં રોક્યા હોય એ સંભવ હતું; માલિક કામકાજ માં પરોવાયેલા હોય એ પણ