પૃષ્ઠ:Rasbindu.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અવનવું ઘર : ૧૯
 

અને વાંચતાં બરોબર તેનો આત્મા દેહમાંથી ઊડી ગયો – જો આત્મા દેહમાં રહેતો હોય તો. રેલ્વે અકસ્માતમાં પતિ મૃત્યુ પામ્યાના સમાચાર એ તારમાં હતા !

‘પછી શું થયું ?’ મેં પૂછ્યું.

‘પછી તો શું થાય ? પત્ની ભૂત થઈ એમ લોકો કહે છે !’

‘ભૂત થઈને કરે છે શું ?’

‘રસોઈ કર્યા જ કરે છે.’

‘ક્યાં સુધી રસોઈ કરશે ?’

‘એનો પતિ આવી જમશે નહિ ત્યાં સુધી.’

સ્થિરતાથી સ્ત્રીએ મારી સામે જોયું, અને મારા હૃદયમાં થરકાટ થયો. હું ભૂત સાથે જ વાત કરી રહ્યો છું શું ?

એકાએક હું ઊભો થયો અને બહાર દોડ્યો. અપાર્થિવ વાતાવરણ મારી આસપાસ જામી ગયું હોય એમ મને લાગ્યું. હું બહાર નીકળ્યો અને મારી પાછળ બારણાં બંધ થયાં. જરા જડ જગત જોયા પછી મને શાન્તિ વળી. મેં બારણું પાછું ઠોક્યું, પણ તે ખરેખર બંધ હતું.

આવા કુલીન પ્રેમી આત્માના પ્રેતથી બીને ભાગી જવા માટે હું શરમાયો. પરંતુ ત્યાં પાછા જવાની હિંમત કેમે કરીને આવી નહિ. એ સ્ત્રી પ્રેત હોય તો ય તેણે મારું કશું નુકસાન કર્યું ન હતું; મને કશો ભય ઉપજાવ્યો ન હતો. માત્ર અન્ય સૃષ્ટિનો પડછાયો તે લાવી રહી હતી. એ સૃષ્ટિ પણ શા માટે ન જોવી ? માનવી અજાણ્યા પ્રદેશોથી ડરશે તો તે શોધખોળ કેમ કરશે ? અને આ તો એક પ્રેમાત્માનો-પુણ્યાત્માનો અવશેષ હતો. ભયનું કારણ એમાં હોય જ નહિ. હિંમત લાવતાં દિવસ વીતી ગયો, અને રાત્રે મનને દૃઢ કરી હું એ જ ઘર પાસે આવ્યો. બારણાં બંધ હતાં; મેં તે ખૂબ હચમાવ્યાં, પણ કોઈએ બારણું ઉઘાડ્યું જ નહિ. માત્ર અંદરથી કોઈ સ્ત્રીના ગીતસુર સંભળાયા :

‘રંગભીના હવે આવજો, મારી સૂની માઝમ રાત,’