પૃષ્ઠ:Rasbindu.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અહિંસાનો એક પ્રયોગ


હું અહિંસામાં માનું છું. હિંદુસ્તાનનો ઉદ્ધાર અહિંસાથી જ થવાનો છે. એમાં મને જરા ય શંકા નથી. એટલું જ નહિ, સમગ્ર માનવજાતની ઉન્નતિ અને પ્રગતિ અહિંસા ઉપર જ રચી શકાય એવી મારી ખાતરી થઈ ગઈ છે. અહિંસાનો સિદ્ધાંત વર્તમાન યુગમાં મેં જ શોધી કાઢ્યો એમ કહેવામાં મારી શરમાળ વૃત્તિ જ મને રોકે છે. બાકી સત્ય તો એ જ છે. મને ગાંધીજીનો ટેકો મળવાથી અહિંસા વિષે સ્પષ્ટ ઉચ્ચાર કરી અહિંસાનો જેમ બને તેમ વધારે પ્રચાર કરવામાં હું રાતદિવસ રોકાયલો રહું છું. અહિંસાની અદ્‌ભુત અસરમાં લોકોને કેમ શ્રદ્ધા નથી ઊપજતી એનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે માનવસમાજની ક્ષુદ્રતા મારા હૃદયને ચીરી નાખતી હું જોઉં છું.

જર્મન-બ્રિટન યુદ્ધની બેવકૂફી વિષે ગાંધીજીનો લખેલો એક લેખ વાંચી અત્યંત રાજી થઈ મેં એ અહિંસાના સિદ્ધાંતનું નવું રાષ્ટ્રીય સ્વરૂપ મારા કુટુંબીજનોને સમજાવવા યત્ન કર્યો. મારી પુત્રી ઇન્ટરમાં અભ્યાસ કરતી હતી. ચહા પીતાં પીતાં મારી પુત્રી યશદા-યશોદા નામ જરા જૂનું લાગવાથી અમે સહુએ તેનું નામ યશદા રાખ્યું હતું તે – પૉફેસરોની નકલ કાઢતી હતી. અમુક પૉફેસર ક્લાસમાં શીખવતી વખતે મેજ ઉપર પેટ કેમ ઘસડે છે, બીજા પૉફેસર સી.આઈ.ડી.ની અદાથી શીખવતાં શીખવતાં વાતો કોણ કરે છે તેની માહિતી બાડી આંખે જોઈને કેમ મેળવી લે છે, ત્રીજા પૉફેસર ચિચિયારી પાડીને અને ચોથા પૉફેસર જાણે મોં ભરેલું હોય એ