પૃષ્ઠ:Rasbindu.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસાનો એક પ્રયોગ : ૨૩
 

નોકરે ઉઠાવ્યા, પણ એક રકાબી પથ્થર ઉપર પડી અને ફૂટી ગઈ. અહિંસાનો જો મેં આગ્રહ ન રાખ્યો હોત આજે તો નોકરને એક ધોલ હું વગાવી દેત, પરંતુ મેં કશી જ બૂમ ન પાડી. માત્ર નોકરના પગારમાંથી એક રકાબીની રકમ ભરપાઈ કરી લેવાનો વિચાર પ્રદર્શિત કરી હું મારી અહિંસાને વળગી રહ્યો.

હું વકીલ છું, અહિંસક વકીલ છું. કચેરીમાં નવા આવેલા ન્યાયાધીશ બરાબર સાડાઅગિયાર વાગે કામ શરૂ કરતા હતા. ન્યાયાધીશો ન્યાય તોળે એ વાત ખરી, પરંતુ તે તુલામાં તેમની વ્યક્તિગત વિચિત્રતાઓ પણ એક અગર બીજા પલ્લામાં તેઓ મૂકી શકે છે એમ કહું તો તેઓ અહિંસાને ખાતર મને માફ કરશે. નવા આવેલા ન્યાયાધીશ ભારે હિંસાવૃત્તિ ધરાવતા હતા એવો મને ભાસ થયો હતો. સહેજ મોડું થાય એટલે કામ કાઢી નાખવાની આપણને એવી ધમકી આપે, જાણે આપણે ફાંસીએ ચડવાપાત્ર ગુનો કર્યો હોય ! વખતસર જવાથી તેમની હિંસકવૃત્તિ જરા મિજાજમાં રહેતી. એટલે હું વખતસર કૉર્ટમાં જવા માટે ઘેરથી નીકળ્યો. હિંસાનો ઇલાજ અહિંસા. વાઘ અને વરુ અહિંસાને વશ થાય તો ન્યાયાધીશો કેમ વશ ન થાય ?

શૉફરની બેદરકારીથી રસ્તે બેઠેલા એક કૂતરાની પૂંછડી ચગદાતાં મેં ગઈ કાલે જરા ભારપૂર્વક તેને અહિંસક બનવા કહ્યું એટલે તે આજે આવ્યો ન હતો. અહિંસાના પ્રચારમાં આવાં આવાં તો અનેક દુઃખ આવે. મેં ભાડાની ગાડી મંગાવી તેમાં બેસવા માંડ્યું, અને એક ભિખારીએ મારી પાસે ભીખ માગી. હિંદ સરખા ગરીબ દેશમાં વધારે પડતી રકમ કોની પાસે હોય છે ? મોટરકારવાળા વકીલો પાસે પણ નહિ ! મેં તેને કાંતવાની સલાહ આપી એટલે ભિખારીએ મારી અખિલાઈ ઉપર ‘તુલસી હાય ગરીબ...’ જેવા તુલસીદાસના દુહાઓ ઉદારતાથી ફેંક્યા. એ ભિખારી જો