પૃષ્ઠ:Rasbindu.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસાનો એક પ્રયોગ : ર૯
 

હતું પરંતુ એ કાર્ય ખોટું છે એમ એ પોતે જ સમજે તો વધારે સારું એમ વિચારી મેં હસતાં હસતાં તેને પૂછ્યું :

‘શું ફાડે છે ?’

પ્રામાણિકપણે બાળકે ફાટેલો કાગળ બતાવ્યો અને મારા હૃદયમાં અગ્નિ પ્રજ્વળ્યો હોય એમ લાગ્યું. અહિંસાના પયગમ્બર સરખા ગાંધીજીની છબી એક કેલેન્ડર ઉપર આવી હતી. એ કેલેન્ડરને તોડીફોની ગાંધીજીની છબી વિકૃત કરતા મારા પુત્રને જોઈ બીજું શું થાય ?

‘તું શું કરે છે તેનું તને ભાન છે ?’ મેં પૂછ્યું.

‘ના, ભાઈ !’ બાળકે જવાબ આપ્યો.

‘આ ગાંધીજીની છબી છે તે તું જાણે છે ને ?’ ગાંધીજીની છબીને આજ કોણ નથી ઓળખતું ? છતાં બાળકને અન્યાય ન થાય એ માટે મેં ખાતરી કરવા તેની જુબાની લીધી,

‘હા.’

‘એ ફાડી ન શકાય તે તું જાણે છે ને ?’

‘ના.’

‘તારા કરતાં ગાંધીજી મને વધારે વહાલા છે એ તું સમજી લે.’

મને લાગ્યું કે બાળકે આ સ્થળે હિંસક અજ્ઞાન બતાવી જાણે તે કશું યે સમજ્યો ન હોય એવું મુખ બતાવ્યું. એટલે ઊગતા જ અનર્થનું મૂળ ટાળવા મેં તેને ભલામણ કરી :

‘અને એ વાત તું જીવનભર યાદ કરે એ માટે… તથા તેં ગાંધીજીની છબી ફાડવાનું પાપ કર્યું છે તેના પ્રાયશ્ચિત્ત તરીકે તારે ચોવીસ કલાકનો ઉપવાસ કરવો.’

બાળકને આનંદ કેમ થયો તે હું પ્રથમ સમજી શક્યો નહિં. તેણે બહુ જ આતુરતાથી મને પૂછ્યું :

‘ભાઈ ! તમે પણ ઉપવાસ કરશો ને ?’

‘ના, પાપ તારું છે, મારું નહિ. પ્રાયશ્ચિત્ત તારે કરવાનું છે, મારે નહિ.’

‘જન્માષ્ટમી જેવો ઉપવાસ ? કે બહેન ગૌરીવ્રતમાં કરતી હતી