પૃષ્ઠ:Rasbindu.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સફળ ધંધો : ૩૫
 

જ છે.’ એ સિદ્ધાંત જો ન સ્વીકારાય તો ધનાર્થીને ધન ન મળે, કીર્તિ વાંચ્છનારને કીર્તિ ન મળે, સતાશૉખીનને સત્તા ન મળે… અરે સામાન્ય માનવીને આછો રોટલો પણ ન મળે ! મને તો ખાતરી થઈ છે કે ઈશ્વરને મેળવવામાં સાધુઓ અને સત્પુરુષો પણ કંઈ કંઈ કુનેહભર્યા કિસ્સા કરતા હશે ! ખુદ નરસિંહ મહેતાને જ સંભારો ને ?

પરંતુ ઈશ્વરને આપણા નિત્યવ્યવહારમાં લાવવાની જરૂર જ નથી. ઈશ્વર કઈ ઢબે આપણા વ્યવહારમાં ઉપયોગી થઈ પડે છે એની સમજ પડતી નથી. એટલે હું અજ્ઞેયવાદી બની ગયો છું. ઈશ્વરથી ડરી ડરીને હું ચાલ્યો, પ્રામાણિક અભ્યાસ કર્યો ત્યારે હું ગ્રેજ્યુએટ તો થયો. પરંતુ મારો એક સાથીદાર પ્રત્યેક વર્ષે વગર વાંચ્યે ચોરી કરીને પરીક્ષા પસાર કરી ઊંચા વર્ગનો ગ્રેજ્યુએટ બન્યો ! મહા મહેનતે મને શિક્ષકની નોકરી મળી અને મારા એ મિત્રને જોતજોતામાં એક વીમા કંપનીના મૅનેજર તરીકે મોટરકારમાં ફરતો જોયો. એટલું જ નહિ, કલા પ્રદર્શનોનાં ઉદ્‌ઘાટન કરી કલાનિપુણ તરીકે એણે નામ પણ મેળવવા માંડ્યું હતું ! – જોકે લોકોના મોત ઉપર સટ્ટો રમતા વીમાને અને કલાને કેમ સંબંધ બંધાય તે હું સમજી શક્યો ન હતો. પરંતુ એ સરખામણીનો કશો અર્થ નથી. ઈશ્વરને માથે રાખી આપણે મહેનત કર્યે જવી એ ધૂનમાં મેં શિક્ષક તરીકે ઠીક સકળતા એટલે વિદ્યાર્થી પ્રિયતા મેળવી, અને મારા સંતોષ વચ્ચે મેં જોયું કે હું ત્રણ ટ્યૂશનો પણ મેળવી શક્યો છું.

‘ત્રણ ટ્યુશનો ? માસ્તર, એ નહિ બને.’ અમારા પ્રિન્સિપાલે મને એક દિવસ પોતાની ઓરડીમાં બોલાવી ધમકાવ્યો.

મને સમજ ન પડી. ત્રણ ટ્યુશનો શા માટે ન બને ? મારા જીવનમાં એ બનતું જ હતું ! પછી ?

‘સાહેબ ! મને સમજ ન પડી કે આપ શું કહેવા માગો છે.’ મેં જવાબ આપ્યો.

‘ત્રણ ટ્યુશનો આપી તમે નિશાળમાં શીખવવાના શું છો ?’