પૃષ્ઠ:Rasbindu.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જૂના મિત્ર સુરેશને એક નવી રાજગાદી પામેલા યુવાન રાજા તરફથી વીમા ઉપરાંત એ મૂર્તિનો સોદો કરવાનું કાર્ય પણ દલાલી પેટે મળ્યું હશે એનો પણ મને શો ખ્યાલ ? પરંતુ દુનિયામાં અનેક પ્રકારના ચાલતા ધંધાઓમાં આ પ્રકારનો ધંધો પણ ચાલે છે! એમાં મારે આશ્ચર્ય સેવવું ન જોઈએ. દત્તક લેવાઈ ગાદી ઉપર બેસી રાજા બનેલા એક અર્ધ ભલા અને મોટાભાઈના ખ્યાલવાળા ભાયાતપુત્રની બાલ્યાવસ્થામાં અમારા પ્રિન્સિપાલ તેના શિક્ષક હતા, અને અડધા મહિનાનો રોકડ પગાર તથા દોઢ મહિનાના પગાર પેટે દાણા લઈ એ નોકરીથી કંટાળી ‘કલાક્રાન્તિકંદરા’ નામની સંસ્થા સ્થાપી શિક્ષણને બદલે નૃત્ય, ભાવ અને નાટકોમાં વિદ્યાર્થીઓને દોરી નામના મેળવી ચૂક્યા હતા. દત્તક લેવાયા પહેલાંના એ ભાયાતપુત્ર સુરેશની પણ મૈત્રી સાધી શક્યા હતા. અને રાજા બન્યા પછી સુરેશના કલા- શૉખ આધારે કલાસંગ્રહ રાખતા થયા હતા. જોકે સંગ્રહેલી વસ્તુઓ તેઓ ઝડપથી વિસારે પાડતા હતા અને સુરેશના સંગમાં નશાની આછી અસર નીચે ભેટ પણ આપી દેતા હતા. સુરેશનાં બંગલા, મોટરકાર તથા મુસાફરીઓમાં આ રાજમૈત્રીનો પણ કેટલોક ફાળો હોવો જોઈએ એમ મને લાગ્યું.

આવા અનેક ધંધા કરવાની સહુને છૂટ ! અને શિક્ષકોનાં ટ્યૂશન ઉપર કાપ ! શિક્ષકોએ માનવજાતનું શું બૂરું કર્યું છે?

સુરેશની કારમાં બેસી હું એની સાથે પ્રિન્સિપાલને ઘેર ગયો. કારમાં સુરેશ બેસી રહ્યો અને મેં સુરેશના કાર્ડ ઉપર મારું નામ લખી અંદર મોકલાવ્યું. અંદરથી હુકમ આવ્યો કે રાત્રે પ્રિન્સીપાલ કોઈને મળતા નથી.

‘રાતને એટલું બધું મહત્વ આપવાની જરૂર નથી. કહો કે હું એવા કામે આવ્યો છું કે મળ્યા વગર પાછા જઈશ નહિ.’ મેં નોકરને કહ્યું.

ગુસ્સે થયેલા પ્રિન્સિપાલ બહાર આવ્યા અને મને ધમકાવીને કહેવા લાગ્યા :