પૃષ્ઠ:Rasbindu.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રૂપૈયાની આત્મકથા

પૂછો; મને જે પૂછવું હોય તે પૂછો. હું તમારી આંખમાં ઊપજેલા પ્રશ્નો વાંચી શકું છું. તમારા બધા પ્રશ્નોના ઉત્તર મારી પાસે છે. હું તમારા મનનો ટુકડો છું, અનુભવનો ટુકડો છું, તમારા આદર્શોનો પણ ટુકડો છું.

મને ચલણમાંથી કદી કાઢી નાખશે એનો તમને ભય છે? હું ખાતરી આપું છું કે જો મને હજાર, બે હજાર વર્ષ સુધી સંઘરી રાખશો તો હું તમને હજાર, બે હજાર રૂપિયા જેટલો કિંમતી થઈ પડીશ. જૂની વસ્તુઓ સદાય નિરુપયોગી હોતી નથી. જેટલાં વરસ એટલો વધારો. એ ધંધો છેક કાઢી નાખવા જેવો તો નથી જ !

તમને ભય છે કે તમે હજાર બે હજાર વર્ષ જીવવાના નથી, એટલે મને રાખી મૂકવામાં તમને કશો અંગત લાભ નથી. તમારો વંશ પણ હજાર બે હજાર વર્ષ ચાલે એવી તમને ખાતરી નથી, ખરું? માનવી હજાર બે હજાર વર્ષ જીવતો રહે તો કેટલી મુસીબતો ઊભી થાય તેનું હું વર્ણન કરવા માગતો નથી. મૃત પૂર્વજોની પાંચ- સાત પેઢીથી આગળની યાદી આપણે રાખતા નથી એ જ બતાવી આપે છે કે સઘળા પૂર્વજો જીવતા હોય તો ય આપણે હરગિજ તેમને યાદ ન રાખીએ. અને છતાં હું તમને આશ્વાસન આપું છું કે હજાર બે હજાર વર્ષ માનવજાત જીવતી હશે તો જરૂર એમાં તમારો પણ વંશ જાણ્યે-અજાણ્યે કેટલીક વ્યક્તિઓમાં ઊતર્યો જ હશે. તે વખતના પુરાતત્વવિદો મને હીરાને તોલે તોળશે. આ દલીલ તમને ન ગમી, ખરું? વારુ, હિંદવાસીઓ તો