પૃષ્ઠ:Rasbindu.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વફાદારીના અર્ક સરખા છે. મારા ઉપર તમારા શહેનશાહની પ્રતિમા છે. એ પ્રતિમાને પણ પૂજ્ય નહિ ગણો? એ શહેનશાહની આજ્ઞા કરોડો માનવીઓ એક વખત ઉઠાવતા હતા. આજ એ જીવંત નથી એ ખરું. પરંતુ રાજપ્રતિમાઓની પણ કેવી હાલત થાય છે તે સમજવા માટે તો મને સાચવો ! આજના શહેનશાહને એટલું કહેવા માટે તો મને રાખો કે એમની પ્રતિમા પણ અચલણી બની જવાનો સંભવ છે.

તમારી વફાદારી ઉપર સ્વદેશાભિમાનનો રંગ ચડ્યો છે, નહિ? અસ્તુ. એ અભિમાન આપને મુબારક હો. એ અભિમાન બહુ લાંબુ ચાલ્યું. કૉંગ્રેસ જેટલા તમારા સ્વદેશાભિમાનનાં વર્ષ ગણીએ તો ય અડધી સદી તો ક્યારની વીતી ગઈ. તમારા અભિમાને હવે વન- પ્રવેશ પણ કર્યો. એટલે તમારે એક વનમાળા ધારણ કરવી જોઈએ. તમારા મહાન કહેવાતા દેશે કેટકેટલા પરદેશી રાજાઓની ઘૂંસરી ખભે ઉપાડી એનો ખ્યાલ તમને સતત રહે એ માટે મને જરૂર એક હારમાં સાચવી રાખો. હું ઈતિહાસ છું એ ભૂલશો નહિ. રૂપૈયાના હાર પહેરવાની આપણા હિંદવાસીઓમાં રૂઢિ હતી. જે જે પરદેશીના ચરણની રજ તમે બન્યા હો તે તે પરદેશીની પરાધીનતા સંભારવા માટે નવેસર એ રૂઢિ દાખલ કરો. મારું એ હારમાં સ્થાન છે. તમે કોના તાબેદાર છો એ હકીક્ત તમારી નજર સામે રાખવામાં હું બહુ ઉપયોગી થઈ પડીશ. પ્રત્યેક હિંદવાસીએ આવાં પરાધીનતાનાં તાવીજ પહેરી રાખવાની જરૂર છે. હિંદના ચાળીસે કરોડ માનવીઓને આવા હાર આપી શકાય એમ નથી એ તમારું કથન મને સાચું લાગે છે. વાઈસરૉય ગવર્નરો ની ટોળી, એમના અધિકારીઓ અને ગોરા વ્યાપારીઓમાં ઊછળતી લક્ષ્મી ભોંય ઉપર પડે છે તેને આપણે રાજાઓ, કાળા અમલદારો, જમીનદારો અને કાળા વ્યાપારીઓ વીણી લે છે. પછી બહુ થોડી લક્ષ્મી બચે છે. એમાંથી બધાંયને હાર અપાય એમ નથી જ. વકીલો અને ડૉક્ટરોની ઝૂંટાઝૂંટમાંથી જે રહે તે ગામડે પહોંચે.