પૃષ્ઠ:Rasbindu.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨ : રસબિન્દુ
 

મળશે ?’ એ પ્રશ્ન તેમણે જોશીને પૂછ્યો.

જોશીએ કહ્યું :

‘મીંડા ન જોઈએ. ચારસો નવાણું રૂપિયા આપો. સાત વાગ્યાં પહેલાં મોકલી દેશો તો એથી બમણા કાલે એક જ સોદામાં મળે એમ ગણિત કહે છે !’

‘પાંચસો એક આપું તો ?’

‘પાંચનો આંકડો આજ તમને હાનિકારક છે. પાંચનો ઉચ્ચાર પણ જેટલો ઓછો થાય એટલો કરજો.’ જોશીએ કહ્યું.

એટલે હું જોશીના હાથમાં ગપ મારવાના લવાજમ તરીકે પડ્યો. પાંચસોની રકમમાં છેલ્લે હું હતો.

એ ગૃહસ્થને બમણી રકમ મળી કે નહિ એ તમારે જાણવું છે ? તમને પણ ઇચ્છા થાય છે કે દેશસેવામાં ખર્ચેલાં નાણાં બમણાં થતાં હોય તો એ ધંધો કરવા જેવો છે, નહિ ?

હું એટલું જાણું છું કે એમની ઉદારતાનું ધાર્યું ફળ મળી શક્યું નહિ હોય. બીજે દિવસે જોશીની થયેલી મુલાકાત વખતે હું જોશીના ખિસ્સામાં જ હતો અને મેં એ બંનેની વાતચીત સાંભળી પણ ખરી.

‘જોશી મહારાજ ! તમારું કહેવું ખરું ન પડ્યું.’

‘તમને શું કહ્યું હતું ? પાંચનો આંકડો તમારે માટે અપશુકનિયાળ નીવડ્યો. અને... અને એ ઢેડ ભંગી સાથે આપણા જેવી ઉચ્ચ શુદ્ધ કોમોને એક કરનાર ભ્રષ્ટ યોજનામાં તમારા જેવા ધર્મનિષ્ઠ પુરુષ સામેલ થાય એનું ફળ ક્યાંથી સારું આવે ? હવેથી મને પૂછ્યા વગર દાન પણ ન કરશો. દાનની પાત્રતા ઉપર ફળનો બહુ મોટો આધાર છે.’ જોશી મહારાજે કહ્યું અને મને ન સાંભરે એવા એક સંસ્કૃત શ્લોકનું પ્રમાણ પણ તેમણે નોંધ્યું.

હું તો વાતના ટુકડા પાડી રહ્યો છું. મારે સિલસિલાબંધ વાત કરવી જોઈએ. ચાલો, હું જોશી મહારાજથી જ મારો ઇતિહાસ શરૂ કરું. બે માસ ઉપરની જ એ વાત છે. જોશીના ખિસ્સામાં હું એકલો