પૃષ્ઠ:Rasbindu.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રૂપૈયાની આત્મકથા : ૫૩
 

જ ન હતો. બીજા પણ મારા સરખા નાણા સોબતીઓ હતા. એક સોબતી સારો વર શોધતી એક ભણેલી યુવતી તરફથી આવ્યો હતો. પરીક્ષામાં વગર વાંચ્યે પસાર થવાશે એવી ખતરી પામેલા એક વિદ્યાર્થી તરફથી મારો બીજો સોબતી આવ્યો હતો. ત્રણ અઠવાડિયાં પછી તબિયત પૂરી સુધરશે એવું આશ્વાસન પામેલા એક નાદુરસ્ત તબિયતવાળા ગૃહસ્થ તરફથી ત્રીજો સોબતી આવ્યો. પગારમાં વધારો જરૂર થશે એવા યોગની ખાતરી પામેલા સરકારી નોકર તરફથી ચોથો સોબતી આવ્યો. અમે પાંચે સોબતીઓએ પોતપોતાની વાતો કરી. બહુ રસભરી વાતો છે. પરંતુ એ બધાની વાતમાં હું તમને ન ઉતારું એ જ ઠીક છે. મને સાચવી રાખશો તો એમની અને એમના જેવા બીજા સોબતીઓની પણ હું વાત કરીશ. તમારી પાસે આવતા પ્રત્યેક રૂપિયાને તમે એનો ઇતિહાસ પૂછશો તો એરેબિયન નાઈટ્સ તથા કથાસરિતસાગર એની આગળ ઝાંખાં પડી જશે.

હું તો મારી જ વાત કહું. જોશી પાસેથી હું ઝડપથી છૂટ્યો. જોશી મહારાજ રસિક લાગ્યા. શાસ્ત્રીઓ અને જોશીઓ સંસ્કૃત બોલે માટે એમ ન ધારશો કે તેઓ રંગીલા હોતા નથી. તેમની પહેલી વારની પત્ની પાસે જોશી મહારાજ એવું કડક પતિવ્રત પળાવતા હતા કે એ વ્રતના તાપથી પત્ની બળી ભસ્મ થઈ ગઈ. બીજી પત્ની પ્રત્યે તેમણે માર્દવ ધારણ કરવા માંડ્યું. પરંતુ ઝડપી સુવાવડોમાં બીજી પત્ની પણ ઝપટાઈ ગઈ. લખ્યા લેખ મિથ્યા થતા નથી. જોશી મહારાજના ગ્રહ જ બોલતા હતા કે ત્રીજી પત્ની તેમને લલાટે લખાયેલી જ છે. શું કરે એ બિચારા ? પોતાનાથી ત્રીસ પાંત્રીસ વર્ષે નાની કિશોરી સાથે તેમણે પોતાનું લગ્ન થવા દીધું. લોકો હસતા હતા કે જોશી મહારાજ ત્રીજી પત્નીને વશ બની ગયા હતા. જીવતા રહેવું હોય તો પત્નીને તાબે થવું એ જ સાચો માર્ગ છે. અને અનુભવી જોશીએ નિત્યક્રમ રાખ્યો હતો કે રાત્રે ઘરે પાછા જતી વખતે એક સુંદર ગજરો વેચાતો લઈ પત્નીના પગ પાસે મૂકી જ દેવો.