પૃષ્ઠ:Rasbindu.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાસે કાગળ લખવાના પૈસા ન હતા એટલે એ યુવાન પુત્રે વખત બેવખત કૉલેજમાં જતી વખતે મળતી રકમમાંથી થોડી રકમ બચાવવાની ટેવ પાડી હતી, અને તેમાંથી પોતાની પત્નીને પોસ્ટની ટિકિટો એ આપ્યા કરતો હતો. મારો પણ એ જ ઉપયોગ થયો. હું જરા રાજી થઈ મૉજમાં આવ્યો. એ યુવાનનો આત્મભોગ પણ મને ગમ્યો. ગાડી કે ટ્રામનું ભાડું ન ખરચી, ચા કે સિગરેટ પીવાની તક જતી કરી, એણે મને અખંડ રાખ્યો હતો અને એના પ્રેમમાં ઉપયોગી થઈ પડવા માટે હું પોસ્ટ ઓફિસમાં આવ્યો એનું મને જરા ય દુઃખ થયું નહિ.

અને પોસ્ટ ઑફિસના સિલક સાચવનાર કારકુને મારો જે ઉપયોગ કર્યો તે જોતાં મને લાગ્યું કે માનવજાતમાં માણસાઈના અંશ રહેલા છે ખરા. અલબત્ત, કાયદા પ્રમાણે તો એમાં ગુનો થતો હતો; પરંતુ મને લાગે છે કે ઘણા ગુનાની પાછળ માનવસ્વભાવની લીલોતરી સંતાયેલી હોય છે, શુષ્કતા કે કઠોરતા નહિ. કારકુન પાસે એક પૈસો પણ ન હતો. એની પત્ની માંદી પડી ગઈ હતી અને ડૉકટરોએ તેને લીલા મેવા સિવાય કાંઈ પણ ખાવાની મના કરી હતી. ડૉકટરોનાં લવાજમ, દવાની કિંમત અને તેમણે સૂચવેલા પથ્ય ખોરાકનું મૂલ્ય પણ તમારા દેશની દેવાદાર સ્થિતિ ઉપજાવવમાં કેટલો ભાગ ભજવે છે તેના આંકડા કાઢવાની બહુ જરૂર ઊભી થઈ છે. શાહુકારોનું નામ ધારણ કર્યા વગરના કેટલા ય શાહુકારો તમારા દેશને ચૂસી ખાય છે તેની યાદી કરવા જેવી છે. પરંતુ એ વાતને બાજુએ મૂકીએ. કારકુનને ડૉકટરે કહ્યું :

‘મોસંબીનો રસ, લીલી દ્રાક્ષ અને મસ્કતી દાડમ સિવાય તમારી પત્નીને કશો પણ ખોરાક આપશો તો દર્દ હાથમાં નહિ રહે.’

પત્નીનું દર્દ કારકુનના ખિસ્સાને ચોટ્યું. કારકુનને કેટલો પગાર મળતો હતો અને મોસંબી, દ્રાક્ષ તથા દાડમનો બજારમાં શો ભાવ હતો એ સંબંધી કાંઈ પણ ચિકિત્સા કરવાની ફરજ ડૉકટરના વૈદકશાસ્ત્રમાં આવતી ન હતી, એટલે આવી આજ્ઞા ફેંકવાની એક પણ