પૃષ્ઠ:Rasbindu.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬  : રસબિન્દુ
 

હતી. કિશોરીલાલ મહાપુરુષ હતા ? એ મને ખબર ન હતી, પરંતુ એ તો મારે પુરવાર કરવાનું હતું. એ પૈસાદાર હતા અને તેમાંથી મારે તેમને મહાન બનાવવાના હતા. કેવી રીતે શરૂઆત કરું ? લક્ષ્મી અને સરસ્વતીનો વિરલ સંયોગ... કિશોરીલાલે કૉલેજ પણ દીઠી ન હતી. અકબર અને શિવાજીને અક્ષરજ્ઞાન ન હતું એમ કહેવાય છે. આ રેખાચિત્રના નાયકે ભલે ડિગ્રીઓ ન મેળવી..એ ઈન્કમટેક્સ અને સુપરટેક્સ માટે ધનિકપણાનો કંઈક ભાગ છુપાવતા હશે એમ મને એક વખત લાગ્યું એટલે એ બાબત પણ શરૂઆતમાં ન લેવી. તો...? દૂધ જેવું નિર્મળ જીવન....

ટન, ટન, ટનનનન...

એકાંત ઓરડામાં ટેલિફોન ગાજી રહ્યો અને હું ચમકી ઊઠ્યો. કેવો સરસ વિચાર આવતો અટકી ગયો ? આ ભૂતખાનાં બંધ થાય તો કેવું સારું?

ટન, ટન...

હુ દાઝ્યો હોઉં એમ રિસીવર ઉપાડી મેં કાનને અજાણ સૃષ્ટિમાં રમતો મૂકી દીધો.

‘એ તો હું છું-કાન્તા.’ અડધો રડતો સ્ત્રીઅવાજ સંભળાયો. સૂરસૃષ્ટિમાં પણ આ ભેદ પરખાઈ આવે છે. પરંતુ કનક અને કાન્તા બેમાંથી એકેયને હું ઓળખતા ન હતો.

‘કોનું કામ છે?’

‘આપનું.’

‘મારું ? કાંઈ ભૂલ થાય છે. મારો નંબર બે હજાર આઠ છે. ટુ-નોટ-નોટ-એઈટ’

‘એ જ નંબર જોઈએ. મને મારો યા બચાવો; બધું આપના હાથમાં છે.’

‘નાટકમાં એક વખત હું આવું બોલ્યો હતો. તેને ઘણાં વર્ષો થઈ ગયાં. પરંતુ હું આપને ખાતરી આપું છું કે હું અહિંસક છું એટલે કોઈને પણ....’