પૃષ્ઠ:Rasbindu.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ : રસબિન્દુ
 


નારાજી જતી રહી ?... ૨કમ હમણા જ આપીને આવ્યો... કહે તો બધી જ આપું... પછી તારી જ મિલકત...હો...હા....હા...’

કિશોરીલાલે અત્યંત આનંદાવેશમાં આવી જઈ અંગ્રેજી ઢબે નાચનાં બે પાંચ ડગલાં ભરી મને કહ્યું: ‘હવે મને તમારે લેખ બતાવવાની જરૂર નથી, તમે લખી તપાસીને ‘પુષ્પપરાગ’માં આપી આવજો. બેસો તમારી ઓરડીમાં.’

માલિકને નાચતા જોવામાં મઝા પડે છે ખરી. તેમાં યે અતિ ધનિક માલિકો પોતાના ધનની વિપુલતા પોતાના દેહમાં પણ પ્રતિબિંબિત કરતા હોય ત્યારે વધારે મજા પડે. અને પિસતાળીશ પચાસ વર્ષની વય બહુ સંભાળવા છતાં મુખ ઉપર ઝૂકી રહેતી હોય એવા દેહના દેહીને નૃત્યમાં ઊતરતો નિહાળવો એ લહાવો જોનારની જિંદગીનું મહા ધન છે.

મેં કિશોરીલાલનો ખાનગી ખંડ છોડ્યો અને હું મારી નાનકડી ઓરડીમાં આવીને બેઠો. લેખ શરૂ કર્યો, છતાં મને તો ટેલીફોનના ભણકારા વાગ્યા જ કરતા. આ વળી કાન્તા કોણ હશે ? મારી મજાક કરી હોય તો? કિશોરીલાલ કેમ ખુશ થયા ? બંને વચ્ચે મૈત્રી હશે તો ? મારી નોકરી ચોક્કસ જવાની.

આવા આવા વિચારોની વચ્ચે લેખ ઝપાટાબંધ લખાઈ ગયો અને છબી, રૂપિયા તથા લેખ લઈ હું ‘પુષ્પપરાગ’ની ઑફિસે ગયો. તંત્રીએ મને માનપૂર્વક બોલાવ્યો, અને લેખ તથા છબી સાથે પૈસા પણ પૂરા લાવ્યો છું એવી ખાતરી થતાં તેનું માન અને તેના સદ્ભાવ મારે માટે વધી ગયાં. ચા, કોફી, સોડા, લેમન-કાંઈ પણ મારે લેવું જોઈએ એવો તેમણે આગ્રહ પણ કર્યો અને આગ્રહને વશ થવામાં સાંજના સાડાસાત વાગી ગયા. જરૂરી કામનું બહાનું બતાવી ને બહાર નીકળ્યો. મને એક બાજુએથી ખાતરી હતી કે પેલી કાન્તાનો ફોન મશ્કરી રૂપે જ હશે; બીજી બાજુએથી ભય પણ લાગતો હતો કે વખતે ફોનમાંની ઊડી તે આવી વળગશે તો ?

અને ખરેખર મારો એ ભય સાચો પડ્યો, ‘પુષ્પપરાગ’ના