પૃષ્ઠ:Rasbindu.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટેલિફોનનું ભૂત : ૬૯
 

દ્વાર પાસે જ એક મોટરકારને પગથિયે પગ મૂકી પરી સરખી એક સદર યુવતી ઊભી રહી દ્વારનું નિરીક્ષણ કરતી હતી. મને બહાર નીકળતાં બરોબર તેણે પૂછ્યું : ‘કુંજ તમારુ જ નામ ?’

‘હા જી, આપ જ કાન્તાકુમારી કે ?’

‘વિવેકી લાગો છો પણ કેટલી રાહ જોવડાવી ? જે બહાર આવે તેને ‘તમે કુંજ છો ?’ એમ પૂછી પૂછીને હું થાકી ગઈ | એક વખત તો પ્રેસના પટાવાળાને પણ પૂછ્યું કે એનું નામ કુંજ ખરું કે નહિ. લોકોએ મને ઘેલી ધારી હશે.’ સહજ હસીને કાન્તાએ જવાબ આપ્યો.

હુ સ્વપ્નમાં પ્રવેશ કરતો હતો. મારી આસપાસની સૃષ્ટિ સંધ્યાકાળને લીધે અસ્પષ્ટ બનતી જતી હતી. હવે મારે શું બોલવું તેનો વિચાર હું કરવા જતો હતો એટલામાં એણે મને કહ્યું :

‘કેમ, બહુ વિચારમાં પડી ગયા?’

‘ઘણું ખરું હું વિચારમાં જ પડેલો હોઉં છું.’

‘ચાલો, હું તમને તમારે ઘેર પહોંચાડી દઉં.’

‘મારા ઘરની પાસે પણ તમને લઈ જવાય એમ નથી.’

‘મારા અને તમારા બંનેના ઘરથી આપણે દૂર ચાલ્યાં જઈએ. આ સીટ ઉપર બેસી જાઓ. હું કાર ચલાવું.’

આ મનુષ્યહરણ થતું હતું ! આ કામરુ દેશની કિશોરી મને ક્યાં ખેંચી જતી હતી ? પરંતુ પ્રથમ પ્રશ્ન તો એ જ કે હું શા માટે ખેંચાતો જતો હતો? મારામાં ના કહેવાની તાકાત કેમ વિકસતી ન હતી? એની આજ્ઞા પ્રમાણે હું શા માટે તુરત ગાડીમાં બેસી ગયો?

એને કાર ચલાવતાં આવડતી હતી. અને હું કારમાં ભાગ્યે અર્ધો ડઝન વાર બેઠો હોઈશ.

‘બીતા તો નથી ને ?’

‘પૈસા બિલકુલ નથી એટલે લૂંટ કે ચોરીનો ભય રહ્યો જ નથી.’ મેં જવાબ આપ્યો.