પૃષ્ઠ:Rasbindu.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦ : રસબિન્દુ
 

‘કેટલા વાગતાં સુધી તમે ધર બહાર રહી શકશો ?’

‘ગમે ત્યાં સુધી. ઊંઘ આવે ત્યારે ઘર સાંભરે ખરું.’

‘એમ ? ઘેર કોણ છે ?’ મારા તરફ ઝીણી નજર કરી કાન્તાએ પૂછ્યું.

‘આ કારના અકસમાતમાંથી બચું તો હું જાતે મારે ઘેર હોઉં. બાકી તો કોઈ ઘેર નથી.’

‘દેશમાં બધાં હશે.’

‘હા.’

‘કોણ કોણ હશે ?’

‘પત્ની સિવાય બધાં જ છે.’

‘પરણેલા તો છો ને?’

‘ના જી. હજી સુધી મને પરણાવવાની કોઈએ ભૂલ કરી નથી.’

કાન્તાએ શ્વાસ નીચે મૂક્યો અને બેઠકે અઢેલી તે બેસી ગઈ. મને ડર લાગ્યો કે તે વ્હીલ ઉપરથી પણ હાથ ઉઠાવી લેશે કે શું ?

એકાએક ગાડી ઊભી રહી. સ્થળ નિર્જન હતું. એક તળાવને કિનારે અમે બંને જણ આવી ચડ્યાં હતાં. દૂર દીવા દેખાતા હતા અને અંધારું એટલું ગાઢ ન હતું કે જેથી સૃષ્ટિસૌદર્ય દેખાય નહિ.

‘તમને હરકત ન હોય તો આપણે તળાવની પાળ ઉપર બેસીએ.’ કાન્તાએ કહ્યું.

‘હરકત હોય તો ય મારું આજ કશું ચાલે એમ નથી. એટલે તમે કહેશો તેમ કરવા હું બંધાયેલ છું.’

કાન્તા હસી અને અમે બંનેએ નીચે ઊતરી તળાવની પાળ ઉપર પગ માંડ્યા. એકાએક ઝાડમાંથી ચીબરી બોલી ઊઠી અને મને ભયકંપ થયો. મારે માથે શી આફત તૂટી પડવાની છે તે હું જાણતો ન હતો. પરંતુ દેવ કોઈ ગંભીર કાવતરું મારી વિરુદ્ધ કરી રહ્યો હતો એની મને ખાતરી થઈ.

‘સરસ જગા છે, નહિ ?’ કાન્તાએ કહ્યું.

‘એકાંત ભયભર્યું છે અને હું સ્ત્રીઓથી ટેવાયેલો નથી.’