પૃષ્ઠ:Rasbindu.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ : રસબિન્દુ
 

નહિ રહે.’

‘જોઈને રીઝવાની વાત જુદી છે. આ તો તમને કુટુંબભેગા કરવાની વાત છે.’

‘તમે બહુ કુળવાન છે ?’

‘પરદેશી સત્તા સ્વીકાર્યા પછી કોઈનાં યે કૂળ કે મૂળ જોવાની જરૂર નથી. પણ આ તમારો ખર્ચ...’

‘તમારો યે ખર્ચ હું ઉપાડી લઉં તો ?’

‘મારા પુરુષપણાને લાંછન લાગે.’

‘લાંછન લાગે કે ન લાગે ! તમારે આવતી કાલે મારી સાથે લગ્ન કરવાના છે એ વાત સો ટકા સિદ્ધ માનજો.’

‘આ મહા કૃપાનું કોઈ કારણ? મેં એ માટે તપશ્ચર્યા કરી નથી...’

‘પણ મેં તપશ્ચર્યા કરી છે ને !’ હસીને કાન્તાએ કહ્યું.

‘મારા જેવો પતિ મેળવવા? વરદાનને બદલે પ્રભુએ તમને શાપ આપ્યો લાગે છે.’

‘શાપ જેવું લાગશે તો આપણે છુટ્ટા થઈ જઈશું.’

આ વળી નવું વજ્ર વાગ્યું ! છુટ્ટાં થવાની સગવડ સાથેનાં લગ્ન આવકારદાયક છે એમ ઘણાં યુગલોને લાગશે. પરંતુ હજી હું પરણવાના વિચારને જ અનુકૂળ થતો ન હતો ત્યાં જુદાં થવાનો તો વિચાર પણ કેમ આવે? હું સ્વપ્નમાં તો નહિ હોઉં ?

મેં મારા ગાલ ઉપર એક ચુંટી ભરી.

‘શું કરો છે?’ કાન્તાએ પૂછ્યું.

‘હું જાગ્રત છું કે સ્વપ્નમાં તેની ખાતરી કરું છું.’

‘તમે શા માટે તસ્દી લો છો ? હું ખાતરી કરી આપું.’ કહી કાન્તાએ નખ વડે મારા ગાલ ઉપર એવી જબરદસ્ત ચુંટી ભરી કે હું જાગતો હઈશ તો સ્વપ્નમાં પડ્યો અને સ્વપ્નમાં હોઈશ તો જાગ્રત બની ગયો !

ચૂંટી ભરવાની કળામાં આ બાઈ અજોડ લાગી ! ભારે મહાવરા