પૃષ્ઠ:Rasbindu.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરાધીન પુરુષ


સ્ત્રીઓના સમાન હક્કની ચર્ચા જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે મને મારા એક મિત્ર યાદ આવે છે. તેમનું નામ જયંતકુમાર. તેમને અમે બધા The strong silent Man - લોખંડી પુરુષ કહેતા હતા. તેમનો ઊંચો મજબૂત દેહઘાટ જ્યાં તેઓ જાય ત્યાં માર્ગ મુકાવે એવો હતો. તેમને ચોખ્ખાઈ અને વ્યવસ્થા માટે અતિશય ચીવટ રહેતી. નિયમિતપણું તેમના દરેક કાર્યમાં દેખાઈ આવતું હતું. આજ્ઞાપાલનનો તેઓ ભારે આગ્રહ રાખતા. અને પોલીસ ખાતામાં તેઓ ઊંચી અમલદારી કરતા હોવાથી આજ્ઞા, નિયમિતપણું, બંદોબસ્ત, ચોખ્ખાઈ અને કડક દેખાવ એ તેમના નિત્યનાં સાથી બની ગયાં હતાં.

આનો અર્થ એમ કોઈ ભાગ્યે જ કરે કે તેમનું હૃદય પણ લોખંડી હતું. તેમનું હૃદય સોને મઢેલું, વિશુદ્ધ લાગણીભર્યું અને મુલાયમ હતું. પરંતુ પ્રથમ છાપમાં તો તેઓ કડક લાગતા હતા, અને સાચી સીધી વાત કહેવાને ટેવાયેલા હોવાથી તેઓ સહજ ભયપ્રદ પણ લાગતા હતા. નોકરો તેમનાથી થરથરતા, પાડોશીઓ તેમની સાથે છૂટ લેતાં અચકાતા, અને ગુનેગારો તેમનાથી છુપાયેલા જ રહેતા.

તેમણે એક મકાન બાંધવાનું નક્કી કર્યું. તેનો વિચાર આવતાં બરોબર તેમણે કેટલો ખર્ચ કરવો તે પણ નક્કી કરી નાખ્યું. ઘરનો નકશો અને યોજના પણ તેમણે અત્યંત કાળજીપૂર્વક નક્કી કરી દીધાં. બારીબારણા ક્યાં, કેવાં, કેવડાં મૂકવાં; કેટલા ઓરડા, કેટલા માપના રાખવા; પ્રત્યેક ઓરડામાં વધારેમાં વધારે સગવડ કે રીતે થાય; એ બધું જ તેમણે નક્કી કર્યું. વ્યવસ્થાના આગ્રહવાળા જયંતકુમારે મિત્રો