પૃષ્ઠ:Rasbindu.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ને સગાસંબંધીઓને અને પોતાની પત્નીને એ નકશા બતાવી તેમની પસંદગી મેળવી અને ભારેમાં ભારે ચોકસાઈ કરી લીધી. તેમણે સહુને કહી દીધું.

‘આમાં કાંઈ સૂચના કરવી હોય તે કરી દ્યો. પછીથી હું એક ખીંટીનો પણ ફેરફાર કરીશ નહિ.’

બધાંને ખાતરી હતી કે એક વખત યોજના નક્કી થયા પછી જયંતકુમાર કશો જ ફેરફાર કરવા દેશે નહિ. માત્ર તેમનાં પત્નીએ કહ્યું : ‘નકશાને ઘરના આકારમાં સહેજ ઊતરવા તેતો દો. કેટલોક ફેરફાર ઘર બંધાવતાં પણ કરવો પડે !’

આમાં જ તમારી ભૂલ થાય છે. પહેલેથી જે ફેરફાર કરવો હોય તે સમજીને કહી દો. હું પછીથી કાંઈ જ કરવા નહિ દઉં.’

તેમનાં પત્ની જ્યોત્સનાગૌરીએ કશો જવાબ આપ્યો નહિ; માત્ર એક સ્મિતથી તેમણે પોતાના પતિને સંમતિ આપી. જ્યોત્સનાગૌરી તેમના નામ પ્રમાણે ચમકતું સૌન્દર્ય અને ચમકતી બુદ્ધિ ધરાવતાં હતાં. તેમનું સ્મિત અજેય હતું.

‘હું ફરીથી કહું છું કે પાછળથી તલ જેટલો પણ ફેરફાર હું કરવા નહિ દઉં. તમે મારો સ્વભાવ જાણો છો.’ જયંતકુમારે છેલ્લી ચેતવણી આપી.

તેઓ જાહેરમાં પત્નીને બહુવચનમાં સંબોધતા. કારણ પારસીઓ કે અતિ નવીન હિંદુ યુવતીઓની માફક તેમનાં પત્ની જયંતકુમારને એક વચનમાં બોલાવતાં નહિ – જાહેરમાં તો નહિ જ. એટલે એ બાબતમાં બંનેના સમાન હક્ક સચવાઈ રહ્યા હતા.

‘સારું. હું કશો ફેરફાર સૂચવીશ નહિ. મને કાગળમાં–નકશામાં કશી સમજ પડતી નથી.’

‘ફરી સમજાવું. પણ ઘર શરૂ કર્યા પછી એક તસુનો પણ ફેર નહિ થાય.’ જયંતકુમારે કહ્યું.

‘એ તો હું જાણું છું જ ને ! તમને ગમશે તે મને કેમ નહિ ગમે ?’ નાગૌરીએ વાગ્‌બાણ કર્યું. જયંતકુમારને ખાતરી