પૃષ્ઠ:Rasbindu.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જ કરવાની રૂઢિમાં રહેલું લાગે છે !

મારા મિત્ર ફરવાની ઘેલછામાં માનતા ન હોવાથી બંગલાના કંપાઉન્ડમાં જ ચલાય એટલું ચાલી, આખો પર્વત ઘૂમી વળ્યાનો સંતોષ મેળવતા. અલબત્ત, મારી અને મારા મિત્રની તબિયત અમારા બન્નેના વ્યક્તિગત પ્રયોગોથી ખરેખર સારી થઈ.

એક સંધ્યાકાળે એક સુંદર દૃશ્ય ખડું કરતા ‘પોઈન્ટ’ની મુલાકાત લઈ હું બંગલે આવ્યો. સૃષ્ટિસૌંદર્યની અદ્દભુત છાપ મારા મન ઉપર પડી હતી. ડુંગરોની નીચી ઊતરતી જતી ભૂરી ટેકરીઓની પાછળ સંતાતા સૂર્યે જે સોનેરી રંગ ક્ષિતિજ ઉપર છાંટ્યો હતો. એ દૃશ્ય હું કદી વિસારી શકું એમ નથી. મારા ઓળખીતામાંના એકે સટ્ટાની વાત કરી–આકાશ ખરેખર સોનું બની જાય એવી ઈચ્છા વ્યક્ત કરી મારા સૌંદર્યદર્શનને અપવિત્ર બનાવ્યું હતું અને તેથી એ સૌંદર્યદર્શનનો વિચાર આવતાં એ સટોડિયા ઓળખીતાની કલુષિત કલ્પના મનને ઉદ્વિગ્ન બનાવતી હતી. આમ ભવ્ય અને તુચ્છ ચીલાઓની વચ્ચે દોડી રહેલા મારા મનને સંયમમાં રાખી મંથન કરતો હું બંગલામાં આવ્યો અને મેં સંધ્યાકાળે પડોશમાં આવેલા ગેરુરંંગ્યા સુવર્ણસરખા ખેતરમાં બૂમાબૂમ થતી સાંભળી ! વૃદ્ધો વૃદ્ધાઓ, યુવકો યુવતીઓ તથા બાળકો અને બાલિકાઓ ટોળે થયાં હતાં. એ ટોળામાંથી ભૂંડી ગાળો આવતી સમજાતી હતી અને એના ઘોંઘાટ વચ્ચે બેચાર લાકડીના ફટકા પણ સંભળાયા. બંગલાની નજીક નાની સરખી ઝૂંપડી બાંધી રહેતો એક ફકીર–જે સાથે સાથે હકીમી પણ કરતો હતો અને ધૂપ તથા મોરપિચ્છની મદદથી વળગાડ કાઢવાનો અર્ધગુપ્ત ધંધો પણ કરતો હતો–તે ટોળામાં પહોંચી ગયો.

હું તથા મારા મિત્ર એક સાચા અને સારા ગુજરાતી ગૃહસ્થો તરીકે બંગલામાં જ બેસી રહ્યા. ઝગડો કરતાં ગુજરાતીઓએ શરમાવું જ જોઈએ, અને અજાણ્યા ઝઘડાથી જેમ બને તેમ દૂર ચાલ્યા જવું જોઈએ. એ પેઢી દર પેઢી ચાલતી આવેલી ગરવી કે ગરીબ